બે દાયકામાં મહિલાઓ પર 24 બળાત્કાર ગુજાર્યા હોવાની લંડનના પોલીસ અધિકારીની કબૂલાત

ડેવિડ કેર્રિક લંડન પોલીસમાંથી બરતરફ, બ્રેવરમેને ડેવિડના કૃત્યને કાળો અધ્યાય ગણાવ્યું

Wednesday 18th January 2023 06:19 EST
 
 

લંડન

લંડનના એક પોલીસ અધિકારી 48 વર્ષીય ડેવિડ કેર્રિકે મહિલાઓના શોષણ વિરોધી અભિયાન દરમિયાન 24 બળાત્કાર ગુજાર્યા હોવાની કબૂલાત કરી છે. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર ડેવિડ કેર્રિકે તેના હોદ્દાનો દુરુપયોગ કરીને પીડિતાઓને પોતાનો શિકાર બનાવી હતી. ડેવિડ કેર્રિક મહિલાઓને ધમકી આપતો હતો કે હું પોલીસ અધિકારી છું તેથી તેમની દલીલો કોઇ સાંભળશે નહીં.

મેટ્રોપોલિટન પોલીસ કમિશ્નર માર્ક રોવલીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ અત્યંત બદતર રીતે મહિલાઓનું શોષણ કર્યું હતું. અમે મહિલાઓને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. અમે લંડનવાસીઓને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધાં છે. અમે અમારી કામગીરીમાં નિષ્ફળ ગયાં છીએ અમને માફ કરી દેજો. આ વ્યક્તિ પોલીસ અધિકારી કહેવડાવવાને પણ લાયક નથી.

વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ આ કેસને અત્યંત શરમજનક ગણાવ્યો હતો જ્યારે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, કેર્રિકે તેના પર લાગેલા 49 આરોપોનો સ્વીકાર કર્યો છે. પોલીસે ગંભીર સવાલોના જવાબ આપવા પડશે. સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઝણઝણાવી દે તેવો કેસ છે અને વડાપ્રધાનની સંવેદના તમામ પીડિતો સાથે છે. પોલીસે જનતાનો વિશ્વાસ મેળવવા માટે એ તમામ અધિકારીઓને હાંકી કાઢવા જોઇએ જેમણે આ પ્રકારના ગંભીર અપરાધો આચર્યા હોય.

બે દાયકામાં 12 મહિલાઓને પોતાનો શિકાર બનાવનાર ડેવિડ કેર્રિકને મંગળવારે મેટ કમિશ્નર સર માર્ક રોવલીએ નોકરીમાંથી બરતરફ કરી દીધો હતો. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ડેવિડ કેર્રિકના કૃત્યને બ્રિટિશ પોલીસના ઇતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter