લંડનઃ કોવિડ ૧૯ના બૂસ્ટર બૂકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે ૨૦ અને ૨૧ ઓક્ટોબરના બે જ દિવસમાં ૪૬૫,૦૦૦ લોકોએ તેમના બૂસ્ટર ડોઝ માટે બૂકિંગ કરાવ્યું હતુ. ગત સાત દિવસમાં ૭૫૦,૦૦૦થી વધુ લોકોએ બૂકિંગ કરાવ્યા સાથે નેશનલ બૂકિંગ સર્વિસ માટે વ્યસ્ત સપ્તાહ રહ્યું હતું.
NHS દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી ઈંગ્લેન્ડમાં લોકો માટે ચાર મિલિયનથી વધુ બૂસ્ટર ડોઝનું વિતરણ કર્યું છે. ડિસેમ્બરમાં વધારાના ડોઝની શરૂઆત કરાયા પછી તે લગભગ બમણા જેટલું છે. ડિસેમ્બર ૨૦૨૦માં માર્ગારેટ કીનને કોવેન્ટ્રીમાં પ્રથમ વેક્સિન લીધાનો ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચાયા પછી લગભગ ૮૪ મિલિયન વેક્સિન્સ ડોઝ આપી દેવાયા છે અને ૧૦માંથી ૯ પુખ્ત વ્યક્તિએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. ૩૮ મિલિયન લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે.
સરકારે ૧૨-૧૫ વયજૂથના બાળકોને વેક્સિન આપવાની વૈજ્ઞાનિક સલાહને અનુસરી છે. NHSએ ઓગસ્ટ મહિનાથી ૧૬-૧૭ વયજૂથના ટીનેજર્સને પણ સિંગલ ડોઝ આપવાની શરૂઆત કરી છે.