લંડનઃ બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને ઉમરાવ લોર્ડ રેમી રેન્જરના કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) ઈલકાબને પાછો ખેંચી લેવા ફોરફીચર કમિટીએ નિર્ણય જાહેર કર્યો છે. લોર્ડ રેન્જરની સાથે હિન્દુ કાઉન્સિલ યુકેના એકાઉન્ટન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભાનોતનું ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) ટાઈટલ પણ પાછું ખેંચી લેવાયું છે. અનિલ ભાનોતનું ટાઈટલ રદ કરવા પાછળ તેમણે 2021માં બાંગલાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા સંદર્ભે કરેલી ટ્વીટમાંથી ઈસ્લામોફોબિયાના આક્ષેપો સંકળાયેલા છે. લોર્ડ રેન્જર દ્વારા મહિલા જર્નાલિસ્ટની કહેવાતી કનડગત અને પાકિસ્તાનીઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ કરવાના વિવાદોમાં આવ્યા પછી તેમનો ઈલકાબ પાછો ખેંચી લેવાયો છે.
લોર્ડ રેમી રેન્જરે ઈલકાબ પોછો ખેંચવાના યુકેની ફોરફીચર કમિટીના નિર્ણયની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર્ય તેમના વાણીસ્વાતંત્ર્યના ઉલ્લંઘન સમાન છે. લોર્ડ રેન્જરના સત્તાવાર પ્રવક્તાએ પણ લોર્ડ રેન્જરના વલણની સ્પષ્ટતા કરતું નિવેદન જારી કર્યું હતું.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા જોવાયેલા અલગ સંદેશામાં લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, ‘ફોરફીચર કમિટીનો નિર્ણય તમામ પ્રામાણિક નાગરિકો માટે ગંભીર તાર્કિક અસર ધરાવનારો છે કે તેઓએ ખુલ્લા મને કશું કહેવું ન જોઈએ, કદાચ જેઓ આપણને અને આપણા દેશને નુકસાન કરવા ઈચ્છતા હોય તેમની સામે અવાજ ઉઠાવવાથી તેમના સન્માન-ઈલકાબ જપ્ત કરી લેવાશે.’
લોર્ડ રેન્જર પોતે શીખ છે અને ખાલિસ્તાની વિભાજનવાદી ચળવળના જાણીતા ટીકાકાર છે. તેઓ ઈલકાબ પાછો ખેંચવાના નિર્ણય સામે જ્યુડિશિયલ રીવ્યૂ અને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ સમક્ષ અપીલ સહિત કાનૂની કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે. તેમને બિઝનેસ અને કોમ્યુનિટીને આપેલા યોગદાન માટે 2016માં CBE ની નવાજેશ કરાઈ હતી. આ પછી પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેના રેઝિગ્નેશન ઓનર્સના ભાગરૂપે તેઓ લોર્ડ બન્યા હતા. લોર્ડ રેન્જર હંમેશાંથી સામુદાયિક સંવાદિતાના મજબૂત હિમાયતી રહ્યા છે. તેમણે પાકિસ્તાન, ઈન્ડિયા અને યુકે ફ્રેન્ડશિપ ફોરમની સ્થાપના કરેલી છે અને બ્રિટિશ શીખ એસોસિયેશનનું ચેરમેનપદ પણ ધરાવે છે. લોર્ડ રેન્જરનો ઈલકાબ પાછો ખેંચવા માટે કમિટીએ કોઈ કારણો દર્શાવ્યા નથી પરંતુ, ફ્રીલાન્સ જર્નાલિસ્ટ પૂનમ જોશી સાથે વ્યવહાર તેમજ પાકિસ્તાની અને શીખ કોમ્યુનિટીઓ સંદર્ભે અગાઉ કરેલી કેટલીક ટીપ્પણીઓ કારણભૂત હોવાનું કહેવાય છે.
લોર્ડ રેન્જરના સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદનમાં ન્યૂઝવિક્લીઝને જણાવ્યું હતું કે, ‘લોર્ડ રેન્જરે કોઈ અપરાધ કર્યો નથી કે તેમણે કોઈ કાયદો તોડ્યો નથી. આ પ્રકારે જેમના ઈલકાબો પાછા ખેંચી લેવાયા છે તેમાંથી બહુમતીએ અપરાધ કર્યા છે કે કાયદાનું ઉલ્લંઘન કરેલું છે. લોર્ડ રેન્જરને ભારે આઘાત લાગ્યો છે કે બ્રિટિશ બિઝનેસને આપેલી સેવા તેમજ સામુદાયિક સંવાદિતાને પ્રોત્સાહિત કરવા બદલ તેમને એનાયત કરાયેલો CBE એવોર્ડ પાછો ખેંચી લેવાયો છે. જે વ્યક્તિઓ બહેતર કામ કરે છે અને દેશને માટા પાયે યોગદાન આપે છે તેમને સશક્ત બનાવવા માટે તૈયાર કરાયેલી ઓનર્સ સિસ્ટમનો ઉપયોગ વાણી સ્વાતંત્ર્ય અને વિચાર પ્રક્રિયાના મૂલભૂત અધિકારોને નિયત્રિત કરવામાં થાય છે તે દુઃખદ તહોમતનામું છે.’
અગાઉ પણ હાઉસ ઓફ લોર્ડ્સ સ્ટાન્ડર્ડ કમિટી સમક્ષ કરાયેલી ફરિયાદો ફગાવી દેવાઈ હતી તેને ફરીથી ફોરફીચર કમિટી સમક્ષ રજૂ કરાઈ હતી. ભારત સરકારે યુએસસ્થિત ગ્રૂપ શીખ્સ ફોર જસ્ટિસને ગેરકાયદે પ્રવૃતિ આચરવા બદલ પ્રતિબંધિત કર્યું હતું અને તેના નેતાને વ્યક્તિગત ટેરરિસ્ટ તરીકે જાહેર કર્યો હતો, તેમના દ્વારા આ ફરિયાદ કરાઈ હતી.’
સ્પોક્સપર્સને ભાર મૂકતા જણાવ્યું હતું કે લોર્ડ રેન્જરે જાહેર માફીઓ અને રિહેબિલિટેટિવ ટ્રેનિંગ મારફત અગાઉની ફરિયાદોનું નિવારણ કરેલું છે. આ ફરિયાદોમાં સાઉથોલ શીખ ગુરુદ્વારા ટ્રસ્ટી સંબંધિત એક ટ્વીટ, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડોક્યુમેન્ટરી સામે તેમની ટીકા તેમજ જર્નાલિસ્ટ પૂનમ જોશી સાથે ઓનલાઈન વિવાદનો સમાવેશ થાય છે.
દરમિયાન, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK)ના પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરાએ લોર્ડ રેન્જરના સમર્થનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટસ્થિત કેબિનેટ સેક્રેટરી સર ક્રિસ વોરમાલ્ડને પત્ર પાઠવ્યો છે.


