બે બ્રિટિશ મુસ્લિમ આગેવાનો માને છે કે રાષ્ટ્ર કરતાં ધર્મ વધુ મહત્વનો છે

પૂર્વ સાંસદ ખાલિદ માહમૂદે ડો. વાજિદ અખ્તર અને મુહમ્મદ એદરીશના મંતવ્યોને વિચલિત કરનારા ગણાવ્યાં

Tuesday 07th January 2025 09:43 EST
 
 

લંડનઃ બ્રિટિશ મુસ્લિમોના ડેમોક્રેટિક વોઇસ તરીકે જાણીતા સંગઠન મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના સેક્રેટરી જનરલની રેસમાં સામેલ બે ઉમેદવારો દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોએ વધુ એક ચર્ચા છેડી દીધી છે. આ બંને ઉમેદવારોએ ઈરાનની પ્રશંસા કરતાં નવા વર્ષની મિક્સ જેન્ડર ઉજવણીઓને બિનઇસ્લામિક ગણાવી છે.

એક પૂર્વ મુસ્લિમ સાંસદના જણાવ્યા અનુસાર બંને ઉમેદવારો ડો. વાજિદ અખ્તર અને મુહમ્મદ એદરીશ દ્વારા વિચલિત કરનારા નિવેદનો કરાયાં હતાં. 2022માં અખ્તરે જણાવ્યું હતું કે, મુસ્લિમ હોવું એક ક્રાંતિકારી બાબત છે. બ્રિટિશ મુસ્લિમો પોતાને પહેલાં બ્રિટિશને બદલે મુસ્લિમ તરીકે ઓળખાવે છે. મોટાભાગના લોકો તેમના સંતાનોને પહેલાં તેમની રાષ્ટ્રીયતા કે વંશીયતાનું શિક્ષણ આપે છે પરંતુ તે તમારા મંતવ્યોને મર્યાદિત કરીને તમારા સંતાનોને સંકુચિત બનાવે છે. તેના કારણે રાષ્ટ્રવાદ, વંશીય ભેદભાવ અને કટ્ટરવાદ જન્મ લે છે. પરંતુ જો તમે ધર્મને પ્રાથમિકતા આપો છો તો તે તમારા બાળકોમાં મજબૂત પાયો નાખે છે. તમારે બાળકોને પહેલાં મુસ્લિમ બનતા શીખવવું જોઇએ.

અદરીશે 2017માં ઈરાનના સરમુખત્યારી શાસન પર લખતાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખોમૈનીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું ઈરાનને સમર્થન આપું છું. તે લઘુમતી સમુદાયોનું સન્માન કરે છે.

બ્રિટનમાં સૌથી લાંબો સમય મુસ્લિમ સાંસદ રહેલા ખાલિદ માહમૂદે જણાવ્યું હતું કે, આ બંનેના મંતવ્યો અત્યંત વિચલિત કરનારા છે. મુસ્લિમ કાઉન્સિલ ફોર બ્રિટનની આઇડિયોલોજીમાં જ ખામી છે. સરકાર તેની સાથે કોઇ સંબંધ રાખવાનો ઇનકાર કરે છે તે ઉચિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter