બે વર્ષ માટે એનર્જી પ્રાઇસ કેપ 2500 પાઉન્ડ

વીજળીના બિલમાં રાહત આપતી યોજના જાહેર, સરકાર પર અંદાજિત 150 બિલિયન પાઉન્ડનો બોજો પડશે, ઘરેલુ ગ્રાહકોને વીજળી બિલમાં વર્ષે 1000 પાઉન્ડની બચત થશે, આગામી વર્ષે 400 પાઉન્ડની સહાય પર પ્રશ્નાર્થ, , વેપાર-ઉદ્યોગને એનર્જી બિલમાં 6 મહિના સુધી રાહત

Wednesday 14th September 2022 05:30 EDT
 
 

લંડન

બ્રિટનના નવા વરાયેલા વડાંપ્રધાન લિઝ ટ્રસે 8 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ બેકાબૂ બનેલા એનર્જી બિલમાં નાગરિકો અને વેપારઉદ્યોગોને રાહત આપવા તથા એનર્જી સેક્ટરમાં મૂડીરોકાણ આકર્ષવા માટે અંદાજિત 150 બિલિયન પાઉન્ડના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી હતી. વડાંપ્રધાન બન્યા પછીના મોટા પહલાંમાં ટ્રસે વર્ષ 2024 સુધી એનર્જી પ્રાઇસ કેપ 2500 પાઉન્ડ રાખવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ એ થયો કે બ્રિટનમાં આગામી બે વર્ષ એટલે કે ઓક્ટોબર 2024 સુધી ગ્રાહકોને 2500 પાઉન્ડ પ્રતિ વર્ષ કરતાં વધુ એનર્જી બિલની ચૂકવણી કરવી પડશે. ટ્રસનો દાવો છે કે એનર્જી કેપ પરની આ મર્યાદાના કારણે સરેરાશ પરિવારને પ્રતિ વર્ષ 1000 પાઉન્ડની બચત થશે. નવી એનર્જી પ્રાઇસ કેપ પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પહેલાં સરકાર દ્વારા 3549 પાઉન્ડ પ્રતિ વર્ષની એનર્જી પ્રાઇસ કેપ નક્કી કરાઇ હતી. સરકાર એનર્જી સપ્લાયરોને માર્કેટ પ્રાઇસ અને એનર્જી પ્રાઇસ કેપ વચ્ચેનો તફાવત ચૂકવી આપશે. જોકે લિઝ સરકાર દ્વારા આગામી વર્ષે આ વર્ષની જેમ 400 પાઉન્ડની સહાય ચૂકવાશે કે કેમ તે અંગે કોઇ જાહેરાત કરાઇ નથી. તેથી આગામી વર્ષે લોકોની બચતમાં ઘટાડો થશે.

લિઝ ટ્રસે ઘરેલુ જોડાણો ધરાવતા ગ્રાહકો ઉપરાંત તમામ પ્રકારના વેપાર ઉદ્યોગ, શાળા અને ચેરિટી સહિતની વાણિજ્યિક પ્રોપર્ટીઝને પણ ઓક્ટોબરથી આગામી 6 મહિના માટે એનર્જી બિલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ યોજનાની સમીક્ષા 3 મહિના પછી કરાશે જેથી સૌથી વધુ જરૂરીયાતમંદને વધુ સહાય આપી શકાય. સરકાર જથ્થાબંધ ભાવોને નિયંત્રણમાં રાખવા પણ હસતક્ષેપ કરશે. આ પેકેજના કારણે સરકાર પર કુલ કેટલો બોજો પડશે તે અંગેના આંકડા સરકાર દ્વારા જાહેર કરાયા નથી પરંતુ નિષ્ણાતોના મતે આ પેકેજના કારણે સરકાર પર 150 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. સરકારે જણાવ્યું છે કે ચાન્સેલર ક્વાસી કવારટેંગ આ મહિનાના અંત સુધીમાં સરકાર પર પડનારા બોજાનો સત્તાવાર અંદાજ સંસદ સમક્ષ રજૂ કરશે.

ટ્રસ સરકારે પેકેજના ખર્ચને પહોંચી વળવા માટે એનર્જી કંપનીઓ પર વિન્ડ ફોલ ટેક્સ લાદવાની વિપક્ષની માગ પણ નકારી કાઢી છે. લેબર પાર્ટીનો દાવો છે કે એનર્જી કંપનીઓને 170 બિલિયન પાઉન્ડ જેટલો નફો થઇ શકે છે તેથી તેમના પર વિન્ડફોલ ટેક્સ લાદવો જોઇએ. ટ્રસે જણાવ્યું હતું કે, એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદવાથી રાષ્ટ્રીય હિતોને નુકસાન થઇ શકે છે. તેના કારણે એનર્જી સપ્લાયના મામલામાં આત્મનિર્ભર થવા માટે જરૂરી મૂડીરોકાણમાં ઘટાડો થઇ શકે છે. લિઝ ટ્રસે એનર્જી બિલમાં વસૂલવામાં આવતા 150 પાઉન્ડના ગ્રીન ટેક્સને પણ રદ કરી નાખ્યો છે. સરકારે ઓઇલ અને ગેસના સંશોધન માટે 100 કરતાં વધુ નવા લાયસન્સ જારી કરવા અને દેશમાં ફ્રેકિંગ પર લદાયેલા પ્રતિબંધને હટાવી લેવાની જાહેરાત કરી છે. ટ્રસે બ્રિટનને 2040 સુધીમાં નેટ એનર્જી એક્સપોર્ટર બનાવવાનો લક્ષ્યાંક પણ જાહેર કર્યો હતો. સરકારને આશા છે કે આ પેકેજના કારણે ફુગાવાના દરમાં 4 થી 5 ટકાનો ઘટાડો થઇ શકે છે.

 

લિઝ ટ્રસનો નવો એનર્જી પલાન

-     એનર્જી પ્રાઇસ કેપ ઓક્ટોબર 2024 સુધી 2500 પાઉન્ડ પ્રતિ વર્ષ રહેશે

-     વેપાર-ઉદ્યોગ અને વાણિજ્યિક સંસ્થાઓને 6 મહિના સુધી એનર્જી બિલમાં રાહત

-     એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ નહીં લાદવાનો નિર્ણય

-     150 પાઉન્ડનો ગ્રીન ટેક્સ રદ કરાયો

-     ઓઇલ અને ગેસના સંશોધન માટે 100 કરતાં વધુ નવા લાયસન્સ જારી કરાશે

-     દેશમાં ફ્રેકિંગ પર લદાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter