લંડનઃ ડિસેમ્બર 2022 પછી પહેલીવાર બે વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલના વ્યાજદર 6 ટકાની સપાટીને વટાવી ગયાં છે. તાજેતરના સપ્તાહોમાં મોર્ગેજ લેન્ડર્સ દ્વારા અત્યંત ઝડપથી મોર્ગેજ રેટમાં વધારો કરાયો છે અને મોટી સંખ્યામાં ડીલ પાછી ખેંચી લેવાઇ છે. ફુગાવાના ઊંચા દર અને પગારમાં વધારાને જોતાં વ્યાજદરોમાં વધારો નિશ્ચિત બન્યો છે જે મોર્ગેજને મોંઘાદાટ બનાવી રહી છે. 2021થી અત્યાર સુધીમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા 12 વાર વ્યાજદરમાં વધારો કરાયો છે. સોમવારે બે વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલ માટેનો સરેરાશ રેટ 6.01 ટકા પર પહોંચી ગયો હતો. પાંચ વર્ષની મોર્ગે ડીલ માટેનો સરેરાશ રેટ 5.67 ટકા પર પહોંચ્યો છે.
વડાપ્રધાન સુનાકે મોર્ગેજ રેટમાં દખલ આપવાનો ઇનકાર કરી દીધા બાદ મોર્ગેજ રેટમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સુનાકે જણાવ્યું હતું કે, તેમની પહેલી પ્રાથમિકતા ફુગાવો ઘટાડવાની છે. તેમણે કોઇપણ પ્રકારની સરકારી સહાયનો પણ ઇનકાર કરી દીધો હતો. બીજીતરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ગુરુવારે સતત 13મી વાર વ્યાજદરમાં વધારો કરાય તેવા વાવડ મળી રહ્યાં છે.
નિષ્ણાતોના મતે વધી રહેલા મોર્ગેજ રેટ યુકેને મંદીમાં ધકેલી દેશે. યુકેમાં અન્ય દેશો કરતાં ફુગાવાનો દર ઘણો ઊંચો છે. યુકેની સરકાર માટે નાણા મેળવવા પરનો વ્યાજદર પણ વધ્યો છે. યુકેના અર્થતંત્રમાં એક ટાઇમ બોમ્બ ટિક ટિક કરી રહ્યો છે જેનો ગમે ત્યારે વિસ્ફોટ થશે અને અર્થતંત્ર મંદીમાં ધકેલાઇ શકે છે.


