બે વર્ષની મહેનત અને ૭૦ હજાર દિવાસળીથી મેફ્લાવર શિપની પ્રતિકૃતિનું સર્જન

Sunday 29th March 2020 05:43 EDT
 
 

લંડનઃ વિશ્વમાં ધૂની લોકોની સંખ્યા ઓછી નથી જેઓ કશું અદ્વિતીય સર્જન કરવા માગે છે અને સર્જનનું સપનું સાકાર પણ કરે છે. સાઉધમ્પ્ટનના સ્વેથલિંગના ૬૧ વર્ષીય પૂર્વ નાવિક ડેવિડ રેનોલ્ડ્સે બે વર્ષમાં ૯૦૦ કલાકની મહેનત અને ૭૦,૦૦૦ દિવાસળીની મદદથી મેફ્લાવર શિપની ચાર ફૂટ ઊંચી, પાંચ ફૂટ લાંબી અને ૧૬ પાઉન્ડ વજનની પ્રતિકૃતિ બનાવી છે. આ અદભૂત પ્રતિકૃતિમાં નાનકડા લંગર અને રિગિંગ બ્લોક્સનો પણ સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે રેનોલ્ડ્સ વિવિધ વહાણોની ૪૦ પ્રતિકૃતિઓનો કાફલો ધરાવે છે.
ઐતિહાસિક મેફ્લાવર શિપે ૪૦૦ વર્ષ અગાઉ છઠ્ઠી સપ્ટેમ્બર ૧૬૨૦માં પ્લીમથ બંદરેથી પિલગ્રીમ ફાધર્સ સાથે એટલાન્ટિક મહાસાગરમાં નોર્થ અમેરિકાની પોતાની પ્રથમ ખેપ લગાવી હતી અને બે મહિનાની સફર પછી વર્તમાન મેસેચ્યુસેટ્સના કિનારે લાંગર્યું હતું. આ શિપની પ્રતિકૃતિમાં રેનોલ્ડ્સે તેના નિશાનને કોતરવા ઉપરાંત, નાની લાઈફબોટ, હલેસાં અને બેઠકો પણ બનાવી છે. આ વહાણ બનાવવામાં તેમણે યાર્ન, PVA ગુંદર અને દોરીનો પણ ઉપયોગ કર્યો છે.
રેનોલ્ડ્સ મર્ચન્ટ નેવીમાં હતા ત્યારથી તેમણે દિવાસળીમાંથી જહાજ બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હું હવે નિવૃત્ત હોવાથી મેં મારા શોખને ફરી કામે લગાવવા નિર્ણય કર્યો હતો.
હું તેને માત્ર શોખ તરીકે જ નિહાળું છું, તેનાથી મને કશું કરતા રહેવાની પ્રેરણા મળે છે. મારી પત્ની જૂલી કહે છે કે આ શોખ ઓછામાં ઓછું મને શરાબના પીઠાંથી તો દૂર રાખે છે.’
મેફ્લાવર શિપની પ્રતિકૃતિ સાથે ૪૦ જેટલા વહાણોની પ્રતિકૃતિઓથી તેમના સાઉધમ્પ્ટન નિવાસનો એક આખો રૂમ ભરાયેલો છે. તેમણે દિવાસળીથી બનાવાયેલા વિશ્વના સૌથી મોટા મોડેલનો રેકોર્ડ બનાવતી ૨૧ ફૂટની નોર્થ સી ઓઈલ પ્લેટફોર્મ – બ્રેન્ટ બ્રેવો ઓઈલ રિગની પ્રતિકૃતિ પણ ૨૦૦૯માં બનાવેલી છે, જેના સર્જનમાં તો તેમને ૧૫ વર્ષ લાગ્યા હતા અને તેમાં ૧.૪ મિલિયન મેચસ્ટીકનો ઉપયોગ થયો છે.
રેનોલ્ડ્સ પોતાના શોખ માટે અત્યાર સુધીમાં આશરે છ મિલિયન દિવાસળી વાપરી ચૂક્યા છે. તેમના ૧૫મી સદીના ટુડોર હાઉસ મ્યુઝિયમ સહિતની પ્રતિકૃતિઓનાં સંગ્રહનું પ્રદર્શન સાઉધમ્પ્ટન મ્યુઝિયમમાં યોજાઇ ચૂક્યું છે.
તેમણે મૂળ ફોટોગ્રાફ્સ અને ઓઈલ પેઈન્ટિંગ્સ નિહાળીને અત્યાર સુધીમાં કમનસીબ જહાજ ટાઈટેનિક, નેલ્સનના મુખ્ય જહાજ HMS વિક્ટરી, દરિયાના પેટાળમાંથી કઢાયેલાં ટુડોર યુદ્ધજહાજ મેરી રોઝ તેમજ સમુદ્રી જહાજો ક્વીન મેરી અને QE2 સહિતના વહાણોની પ્રતિકૃતિઓ બનાવી છે.
દરેક વહાણની પ્રતિકૃતિ પાછળ સરેરાશ આશરે ૪૦,૦૦૦ દિવાસળી વપરાય છે અને નવેક મહિના જેટલો સમય લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter