બે વર્ષમાં રેકોર્ડ 80,000 વિદેશી દેશનિકાલ કરાયા

12,000 અપરાધી, 24,500 નકારાયેલા રાજ્યાશ્રય અરજદારો અને યુકેમાં કાયદેસર રહેવાનો અધિકાર ન ધરાવતા 20,000નો સમાવેશ

Tuesday 25th August 2026 11:00 EDT
 
 

લંડનઃ છેલ્લા બે વર્ષમાં યુકેમાંથી 80,000થી વધુ વિદેશી ગુનેગારો અને ગેરકાયદેસર રીતે રહેતા માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાયા છે જે છેલ્લા એક દાયકાનો સૌથી મોટો આંકડો છે. લેબર સરકારે દાવો કર્યો છે કે ચૂંટણી પછી દેશનિકાલ કરવાની કામગીરીમાં 52 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આશરે 12,000 વિદેશી અપરાધીઓ, 24,500 નકારાયેલા રાજ્યાશ્રય અરજદારો અને યુકેમાં કાયદેસર રહેવાનો  અધિકાર ન ધરાવતા લગભગ 20,000 વિદેશીઓનો સમાવેશ થાય છે.

હોમ સેક્રેટરી શબાના માહમૂદે સ્પષ્ટ કર્યું છે કે, કાયદેસર રીતે આવતા લોકોનું હંમેશા સ્વાગત છે પરંતુ ગેરકાયદેસર પ્રવેશ કરનારા કે દેશના કાયદા તોડનારાઓને પરત મોકલી દેવામાં આવશે. ભરચક જેલો પરનું ભારણ ઘટાડવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવાના હેતુથી સરકારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમનું ફંડિંગ ડબલ કરવાની અને ડિટેન્શન સેન્ટરોની ક્ષમતા 40 ટકા વધારવાની યોજના બનાવી છે.

બીજી તરફ વિપક્ષી શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે સરકારની આ નીતિની ટીકા કરતા જણાવ્યું હતું કે હજુ પણ હજારો ગેરકાયદે માઇગ્રન્ટ્સ સરકારી ખર્ચે રહી રહ્યા છે અને સરકાર આ ક્ષતિગ્રસ્ત ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે સુધારવામાં નિષ્ફળ રહી છે.

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ પાછળ સરકારેને મિલિયનો પાઉન્ડનો ખર્ચ

બ્રિટનમાં બિનઅધિકૃત રીતે રહેતા અને રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ રહેલા વિદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલવા માટે સરકાર દ્વારા મિલિયન્સ ઓફ પાઉન્ડ્સનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. હોમ ઓફિસના આંકડા અનુસાર, દેશમાં ગેરકાયદેસર વસવાટ ઘટાડવા અને સરકારી તિજોરી પર પડતો બોજો ઓછો કરવાના ઉદ્દેશ્યથી આ રકમ વિમાની સેવાઓ, નાણાકીય સહાય અને વહીવટી પ્રક્રિયાઓ પાછળ વાપરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter