લંડનઃ સોશિયલ મીડિયા પર મુલાકાત બાદ બે સગીરાઓ પર બળાત્કારના આરોપસર વેમ્બલીના હિમાંશુ મકવાણાને 9 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બળાત્કારના આરોપસર દોષી ઠેરવાયા બાદ હેરો ક્રાઉન કોર્ટ દ્વારા હિમાંશુ મકવાણાને 6 માર્ચ 2025ના રોજ સજાની સુનાવણી કરાઇ હતી. તેને એક્સ્ટેન્ડેટ લાયસન્સ પર 4 વર્ષ વધારાની કેદ ભોગવવી પડશે અને તેનું નામ આજીવન માટે સેક્સ ઓફેન્ડરના લિસ્ટમાં સમાવાશે.
ડિટેક્ટિવ કોન્સ્ટેબલ લૂઇસ જેલીએ જણાવ્યું હતું કે, 42 વર્ષીય હિમાંશુ મકવાણા સોશિયલ મીડિયા પર પોતાને એક યુવાન તરીકે રજૂ કરીને સગીરાઓને ફસાવતો હતો. તેણે 4 વર્ષના સમયગાળામાં આ રીતે બે સગીરાને ફસાવી તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. હું તે બંને સગીરાઓનો આભાર માનુ છું કે તેમણે સામે આવીને અપરાધીને સજા અપાવવાનું સાહસ દર્શાવ્યું. તેમના સાહસ વિના અમે અપરાધીને સજા અપાવી શક્યા હોત નહીં.
2019માં હિમાંશુએ એક સગીરાને તેની વાતોમાં ફસાવી હતી અને એક ખાલી ઓફિસ બ્લોકમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2023માં પણ તેણે આવી જ રીતે સ્નેપચેટના માધ્યમથી બીજી એક સગીરાને ફસાવી તેની સાથે કુકર્મ આચર્યું હતું.