બે સાંસદના ભગવદ્ ગીતા પર હાથ રાખી શપથ

Tuesday 24th December 2019 01:46 EST
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત ભારતીય મૂળના ત્રણ પ્રધાનોએ વડા પ્રધાન બોરીસ જ્હોન્સનની ‘પીપલ્સ કેબિનેટ’માં હોદ્દો જાળવી રાખ્યો છે. બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર આલોક શર્મા અને ટ્રેઝરીના મુખ્ય સચિવ રિષિ સુનાકે નવા હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ્ ગીતા પર હાથ મુકી સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ એવા આગ્રામાં જન્મેલા ૫૨ વર્ષના આલોક શર્મા ચોથી વખત રીડિંગ વેસ્ટમાંથી જ્યારે, ૩૯ વર્ષીય રિષિ સુનાક ફરીથી યોર્કશાયરના રિચમંડથી ત્રીજી વખત ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, રિષિ સુનાક ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે. આ બંને સાસંદોએ યુકેની સંસદમાં ભગવદ્ ગીતા પર હાથ મુકી ગુપ્તતાનાં શપથ લીધા હતા.

આલોક શર્મા અને સુનાકે ભગવદ્ ગીતાની એક નકલ હાથમાં રાખીને રાખીને, શપથના માનક શબ્દો સાથે કહ્યું કે: ‘હું સર્વશક્તિમાન ભગવાનના શપથ લઉં છું કે, કાયદા અનુસાર હું નામદાર મહારાણી એલિઝાબેથ પ્રત્યેની સાચી વફાદારી રાખીશ. તેથી ભગવાન મારી સહાય કરો.’

બે મહિલા સાંસદે નવજાત પુત્રીઓ સાથે શપથ લીધાં

નવરચિત હાઉસ ઓફ કોમન્સમાં લેબર અને કન્ઝર્વેટીવ પક્ષના નવા મહિલા સાંસદોએ પોતાનાં નવજાત બાળકો સાથે શપથ લઈને ‘બેબી ઓફ હાઉસ’ની નવી વ્યાખ્યા રચી હતી. વોલ્ટમસ્ટોના લેબર સાસંદ સ્ટેલા ક્રીસી પોતાની પુત્રી હેતીને કોમન્સમાં લઈને આવી ત્યારે તેમનું સ્વાગત કરાયું હતું. બીજી તરફ, સેફ્રોન વાલ્ડેનનાં સાંસદ કેમી બેડેનોકે પણ પોતાની પુત્રીને શરીરની સાથે બાંધીને શપથ લીધાં હતાં.

૨૯ વર્ષીય કેમીને પહેલાથી એક ૬ વર્ષની પુત્રી અને ૩ વર્ષનો પુત્ર છે. જ્યારે સ્ટેલાને આ પહેલા બે વખત ગર્ભપાત થયો હતો. તેઓ ઘણા સમયથી સંસદમાં પારિવારિક વાતાવરણ બનાવવાની હિમાયત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ‘બેબી ઓફ ધ હાઉસ’ શબ્દ સંસદના સૌથી યુવા સભ્ય માટે ઉપયોગમાં લેવાય છે. આ બિરુદ અત્યારે લેબર પક્ષના નોટિંગહામ ઈસ્ટના ૨૩ વર્ષીય સાસંદ નાદીયા વ્હીટોમ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter