બેંગકોક,લંડનઃ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્ર્યુ બેઈલીએ IMFની વાર્ષિક બેઠકમાં રશિયાના ફાઈનાન્સ મિનિસ્ટર સંબોધન કરવા ઉભા થયા ત્યારે વિરોધ દર્શાવવા બેઠકનો સભાત્યાગ કર્યો હતો. ફ્રાન્સ, જર્મની તેમજ સ્કેન્ડેનેવિયન અને બાલ્ટિક દેશોના ફાઈનાન્સ મિનિસ્ટરો પણ સામૂહિક વોકઆઉટમાં સામેલ થયા હતા.
રશિયન ફાઈનાન્સ મિનિસ્ટર એન્ટોન સિલુઆનોવ બેઠકને રશિયનમાં સંબોધવા લાગ્યા ત્યારે સામૂહિક વોકઆઉટ કરાયો હતો. એક યુરોપિયન રાજદ્વારીએ જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ યુરોપમાં આમારા માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. અને રશિયા સાથે સંબંધો સામાન્ય બનાવી શકીએ નહિ. જર્મનીએ રશિયાને આંતરરાષ્ટ્રીય તખતા પર પાછા લાવવાના પ્રયાસો સામે ચેતવણી ઉચ્ચારી હતી. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે યુરોપિયન દેશોની ચિંતા છતાં વોશિંગ્ટન રશિયાની હાજરીને સપોર્ટ કરે છે. સિલુઆનોવે આ વર્ષે G20 ફાઈનાન્સ મિનિસ્ટર્સ અને સેન્ટ્રલ બેન્કર્સની બેઠકમાં હાજરી આપી હતી.

