બેંગાલ હેરિટેજ પ્રોજેક્ટની ભવ્ય ઉજવણી માટે સજ્જ થતું લંડન

ચારુસ્મિતા Tuesday 21st February 2017 14:11 EST
 

લંડનઃ હેરોના વિક્ટોરિયા હોલ ખાતે શનિવાર, ૧૧ ફેબ્રુઆરીએ લંડન શરદ ઉત્સવ (LSU) સહિતની સંસ્થાઓ અને SOAS યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા ધ બેંગાલ હેરિટેજ પ્રોજેક્ટ (BHP) લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ બંગાળની અપાર સમૃદ્ધ વિરાસતને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા તેમજ તેની કળા, પ્રવાસન અને સંસ્કૃતિની વ્યાપક વાણિજ્યિક સફળતા માટે સુયોગ્ય વાતાવરણ સર્જવાનો હેતુ ધરાવે છે. શનિવારના કાર્યક્રમનો આરંભ સરસ્વતી પૂજા સાથે કરાયો હતો. LSUની ટીમે બેંગાલ હેરિટેજ પ્રોજેક્ટની જાણકારી આપી હતી. કાઉન્સિલર સ્યૂ એન્ડરસન (હેરો) અને પૂર્વ કાઉન્સિલર મૃણાલ ચૌધરી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમમાં પટચિત્રના બે બંગાળી કળાકારોએ કોમાગાટામારુ અને ભગવાન શ્રી કૃષ્ણની કથા પર આધારિત બે પેઈન્ટિંગ્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં પરંપરાગત બંગાળી વાનગીઓ પીરસતાં સ્ટોલ્સ ઉપરાંત, ભારતના પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ અને દિલ્હી સહિતના સ્થળોના વસ્ત્રો, જ્વેલરી અને કુદરતી સૌંદર્યપ્રસાધનોના સ્ટોલ્સે પણ આકર્ષણ જમાવ્યું હતું. લાઈવ પરફોર્મન્સીસમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચના ‘આનંદ લોક’, પટગાન અને દુર્ગાનૃત્યનો સમાવેશ થયો હતો. LSU ટીમ અને સંસ્કૃતિના યુવાન પરફોર્મર્સ દ્વારા નૃત્યો સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

૨૦૧૭માં BHP ના સૂચિત કાર્યક્રમોમાં માર્ચમાં કળા પ્રદર્શન, મે મહિનામાં યુકે રવિન્દ્ર જયંતી વર્કશોપ સાથે ફૂડ ફેસ્ટિવલ,જૂનમાં સંગીત મહોત્સવ અને ઓક્ટોબરમાં ભવ્ય યુકે દુર્ગા પૂજાનો સમાવેશ કરાયો છે. આ નિમિત્તે સિટી ઓફ લંડનમાં કોલકાતાના પ્રખ્યાત શિલ્પી થકી સર્જાયેલી માતા દુર્ગાની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે. તેઓ લંડનમાં આવીને મૂર્તિ ઘડશે. આ શિલ્પ પ્રક્રિયાનું ફિલ્માંકન અને દસ્તાવેજીકરણ કોલકાતાની સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે. દર વર્ષે મૂર્તિનાં મસ્તકને નવેસરથી ઘડવામાં આવશે. મૂર્તિના વસ્ત્રો અને અલંકારોમાં બંગાળના વિવિધ પ્રકારના કાપડની ઝલક જોવાં મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter