લંડનઃ ડ્રાઇવિંગ ટેસ્ટના બેકલોગને પહોંચી વળવા સરકાર દ્વારા દર મહિને 10,000 વધારાના ટેસ્ટ લેવાનું વચન આપવામાં આવ્યું છે. આ માટે સ્પેશિયાલિસ્ટ ટ્રેનર્સની સંખ્યામાં વધારો કરાશે. એક્ઝામિનર્સને ઓવરટાઇમ ઓફર કરાશે. દરેક એક્ઝામિનર્સને 40 વધારાના ટેસ્ટ લેવા પડશે. જેના પગલે દર મહિને 10,000 જેટલાં વધારાના ટેસ્ટ લઇ શકાશે.
તે ઉપરાંત ડ્રાઇવિંગ ટેસ્ટ બુક કરાવવાના નિયમો પણ કડક બનાવાશે જેથી લેભાગુઓ દ્વારા કરાતા બુકિંગને અટકાવી બ્લેક માર્કેટમાં વેચાણ રોકી શકાય. સરકાર રિશિડ્યુલ્ડ ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો કરશે. આમ કરવા છતાં 7 સપ્તાહનો વેઇટિંગ ટાઇમનો લક્ષ્યાંક હાંસલ કરવામાં હજુ એક વર્ષ વીતી જશે તેમ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇડી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું.
આવી રહ્યાં છે ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ
યુકેમાં હવે ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અમલી બની રહ્યાં છે. હાલના પ્લાસ્ટિક ફોટો કાર્ડના સ્થાને વાહનચાલકો તેનો ઉપયોગ કરી શકશે. ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ GOV.UK ના વોલેટ એપમાં સુરક્ષિત રાખવામાં આવશે અને વાહન ચાલક પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકશે. હાલપુરતા આ ડિજિટલ લાયસન્સ વૈકલ્પિક રહેશે. હજુ આ યોજના શરૂ કરવાની તારીખ જાહેર કરાઇ નથી પરંતુ 2025ના અંત સુધીમાં તેનો અમલ શરૂ કરાશે.