બેટિંગ એન્ડ ગેમિંગ કાઉન્સિલ દ્વારા જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ

Wednesday 29th April 2020 01:26 EDT
 

લંડનઃ બેટિંગ એન્ડ ગેમિંગ કાઉન્સિલ (BGC)ના સભ્યોએ કોવિડ-૧૯ના લોકડાઉન દરમિયાન તેમની તમામ ટેવી અને રેડિયો પ્રોડક્ટ એડવર્ટાઈઝિંગ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જોકે, બંધાણ નિષ્ણાતોએ આ પ્રતિબંધને ‘અભૂતપૂર્વ સમયમાં અભૂતપૂર્વ પગલાં’ તરીકે ઓળખાવ્યો છે.

BGC દ્વારા માર્ચ મહિનામાં ‘ટેન પ્લેજીસ ફોર કોવિડ-૧૯’ અભિયાન જાહેર કરાયું હતું તેના અનુસંધાને શ્રેણીબદ્ધ પગલાંમાં આ જાહેરાત વધુ એક પગલું છે. કોરોના કટોકટીમાં તમામ પ્રોડક્ટ એડવર્ટાઈઝિંગ દૂર કરવાનું પગલું મહામારી દરમિયાન તમામ પંટર્સને રક્ષણની ચોકસાઈ માટે છે. ટીવી સ્પોર્ટ અને કેસિનો વિજ્ઞાપનોના પ્રમાણમાં ૧૦ ટકાના ઘટાડા ઉપરાંત, એડવર્ટાઈઝિંગ પાછળનો ખર્ચ પણ ઘટ્યો છે.

BGC ચીફ એક્ઝિક્યુટિવ માઈકલ ડુઘેરે નેશનલ લોટરી સહિત મુખ્ય ગેમ્બલિંગ ઓપરેટર્સ પણ તેમનો માર્ગ અપનાવશે તેવી આશા દર્શાવી છે. બેટિંગ અને ગેમિંગના વર્તમાન વિજ્ઞાપન સ્લોટ્સનું સ્થાન સલામત જુગાર સંદેશાઓ લેશે, ચેરિટીઝને દાન અપાશે અથવા શક્ય હોય ત્યાં નિયમિત બ્રોડકાસ્ટમાંથી તદ્દન દૂર કરાશે.

બેટિંગ અને ગેમિંગ વ્યસન સારવારના નિષ્ણાતોએ પગલાને આવકાર્યું છે પરંતુ, દેશ સામાન્ય માર્ગે પાછો વળશે ત્યારે BGC ફરી વિજ્ઞાપનો શરૂ કરવાને કેવી રીતે વાજબી ઠરાવશે તે સમજી શકાતું નથી. તેમણે સદાના માટે વિજ્ઞાપનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter