લંડનઃ પોતે આધ્યાત્મિક શક્તિઓ ધરાવતો હોવાનો દાવો કરી સમાજમાં પોતાના રૂતબાનો ગેરલાભ ઉઠાવી 11 વર્ષ સુધી મહિલાઓ અને સગીરાઓનું શારીરિક શોષણ કરનાર બેથનલ ગ્રીનના 54 વર્ષીય અબુદલ હલિમ ખાનને દોષી ઠેરવાયો છે. 2004થી 2015 વચ્ચે ખાને સંખ્યાબંધ વલ્ગર સેક્સ ક્રાઇમ આચર્યા હતા.
સ્થાનિક સમુદાયમાં સન્માનિત ધાર્મિક ગુરૂ તરીકે ખ્યાતિ ધરાવતો ખાન પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને મહિલાઓ અને સગીરાઓનું શારીરિક શોષણ કરતો હતો. તે પીડિતાઓને તેમના પરિવારોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી વારંવાર બળાત્કાર કરતો હતો.
ફેબ્રુઆરી 2018માં એક યુવતીએ ખાનના અપરાધ અંગે માહિતી આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં 50 સાક્ષીની જુબાની લેવાઇ હતી અને 10 મોબાઇલ ફોનની ચકાસણી કરાઇ હતી. ખાન તેના પર મૂકાયેલા આરોપોનો સતત ઇનકાર કરી તેની સામે કાવતરું ઘડાયું હોવાની દલીલો કરતો હતો.
કોર્ટે ખાનને બળાત્કારના 9 આરોપ, સેક્સ્યુઅલ એસોલ્ટના 4 આરોપ, બાળકો પર બળાત્કારના 7 આરોપ માટે દોષી ઠરાવ્યો હતો. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા 14 મેના રોજ ખાનને સજાની સુનાવણી કરાશે.


