લંડનઃ આ ઓટમમાં દાખલ કરાનારી નીચી બેનિફિટ મર્યાદાથી અસરગ્રસ્ત પરિવારો પાસેથી દર સપ્તાહે સરેરાશ ૬૦ પાઉન્ડ ખૂંચવાઈ જશે. અત્યારે પરિવારોને મહત્તમ વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડના બેનિફિટ્સ મળે છે, જે ઘટીને મહત્તમ ૨૩,૦૦૦ પાઉન્ડ થશે. આ નીતિથી અસર વિશે સરકારી વિશ્લેષણ અનુસાર ગરીબ પરિવારોના ૨૫૦,૦૦૦ બાળકોને વિપરીત અસર થશે કારણકે આવા પરિવારોએ તેમના ફૂડ પાછળ કરાતાં ખર્ચમાં ભારે કાપ મૂકવો પડશે.
નવી બેનિફિટ મર્યાદાથી લંડનમાં રહેતો વ્યક્તિગત પરિવાર વાર્ષિક ૨૩,૦૦૦ પાઉન્ડ ( પ્રતિ સપ્તાહ ૪૪૨ પાઉન્ડ)ના બેનિફિટ્સ મેળવી શકશે, જ્યારે બાકીના યુકે માટે આ મર્યાદા વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડ ( પ્રતિ સપ્તાહ ૩૮૫ પાઉન્ડ)ની રહેશે. આમ, ગરીબ પરિવારોના ખિસ્સામાંથી સપ્તાહના સરેરાશ ૬૦ પાઉન્ડ જેટલી રકમ ખૂંચવાશે અને તેઓ વધુ ગરીબ બનશે. અસરગ્રસ્તોમાંથી ૬૧ ટકા તો એકલવાયી મહિલા પેરન્ટસ હશે.
એન્ટિપોવર્ટી કેમ્પેઈનર્સે જણાવ્યું છે કે આના કારણે લાખો ગરીબ બાળકોના જીવન પર ખરાબ અસર થશે. ગરીબ પરિવારોએ ફૂડ, ફ્યુલ અને વસ્ત્રો પાછળ ખર્ચામાં ભારે કાપ મૂકવાની ફરજ પડશે. બીજી તરફ, વર્ક અને પેન્શન્સ વિભાગની દલીલ છે કે બેનિફિટ્સમાં કાપ મૂકાતા લોકોને રોજગારી શોધવાનું ઉત્તેજન મળશે અને રોજગારીથી તેમને લાભ જ થશે.


