લંડનઃ નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે જ બ્રિટનમાં સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટા ફેરફારો અમલી બન્યા છે. ખાસ કરીને ‘ટુ-ચાઇલ્ડ બેનિફિટ કેપ’ (બે બાળકો સુધીની મર્યાદા) નાબૂદ થતા હજારો પરિવારોને મોટી આર્થિક રાહત મળવાની આશા જાગી છે.
યુનિવર્સલ ક્રેડિટનો લાભ લેતાં મોટા પરિવારો સહિત સંખ્યાબંધ બેનિફિટ્સ અને સ્ટેટ પેન્શનમાં વધારો થવા જઇ રહ્યો છે. સરકારે ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ હટાવી લીધી છે જેના પગલે 3 અથવા વધુ બાળક ધરાવતા 4,80,000 પરિવારને સરેરાશ પ્રતિ વર્ષ 4,100 પાઉન્ડ વધારાના ચૂકવાશે. છેલ્લા નવ વર્ષથી અમલી આ નીતિને કારણે તિજોરીને વાર્ષિક 3.6 અબજ પાઉન્ડની બચત થતી હતી પરંતુ ગરીબ પરિવારો માટે તે નુકસાનરૂપ સાબિત થઈ રહી હતી.
મોંઘવારીને ધ્યાનમાં રાખીને સ્ટેટ પેન્શન અને અન્ય લાભોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રિપલ લોક અંતર્ગત પેન્શનમાં 4.8 ટકાનો વધારો થશે, આમ એપ્રિલ 2016 પછી નિવૃત્ત થનારા લોકોનું નવું સાપ્તાહિક પેન્શન વધીને 241.30 પાઉન્ડ થશે.
તે ઉપરાંત વિકલાંગતા ભથ્થામાં એટલે કે પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ (PIP) અને કેરર એલાઉન્સ જેવા ભથ્થામાં 3.8% નો વધારો થયો છે. યુનિવર્સલ ક્રેડિટ અંતર્ગત અંદાજે 30 લાખ પરિવારોને વાર્ષિક સરેરાશ 120 પાઉન્ડનો વધારાનો લાભ મળશે.


