લંડનઃ વેલ્ફેર સિસ્ટમમાં ચાલી રહેલા ફ્રોડને અટકાવવા સરકાર બેનિફિટ્સના દાવેદારોને સરકાર પાસે તેમના બેન્ક ખાતાની ચકાસણીની ફરજ પાડી શકે છે. અરજકર્તાની આર્થિક સ્થિતિની વાસ્તવિકતા સમજી શકાય તે માટે લેન્ડર્સ અને લેન્ડલોર્ડ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ઓપન બેન્કિંગ સિસ્ટમ જેવી જ સિસ્ટમ શરૂ કરવાના વિકલ્પોની સરકાર ચકાસણી કરી રહી છે.
કોરોના મહામારી બાદ વેલ્ફેર સિસ્ટમમાં વ્યાપક બનેલા ફ્રોડથી ચોંકેલી સરકાર હવે આકરા પગલાં લેવા જઇ રહી છે. અધિકારીઓના એક અંદાજ અનુસાર 2024માં ફ્રોડ અને ભૂલના કારણે 10 બિલિયન પાઉન્ડનું સરકારને નુકસાન થયું હતું. 35 બિલિયન પાઉન્ડ તો યોગ્યતા ન ધરાવતા લોકોને ખોટી રીતે ચૂકવી દેવાયાં હતાં. વર્ષ 2018-19માં આ રકમ ફક્ત 3.9 બિલિયન પાઉન્ડ હતી.
ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના એક અંદાજ અનુસાર ફ્રોડમાં આગામી પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ 5 ટકાનો વધારો થતો રહેશે. લેબર સરકાર આ ફ્રોડને અટકાવવા ગયા મહિને સંસદમાં પબ્લિક ઓથોરિટી બિલ રજૂ કરી ચૂકી છે.