લંડનઃ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી લિઝ કેન્ડલે મંગળવારે સંસદમાં બેનિફિટ્સ રિફોર્મની યોજના રજૂ કરી હતી. સરકાર દ્વારા જારી કરાયેલા ગ્રીન પેપર અંતર્ગત સરકાર વેલ્ફેર પેમેન્ટ્સમાં પ્રતિ વર્ષ 7 બિલિયન પાઉન્ડ બચાવવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર યુવાઓને ઇનકેપેસિટી બેનિફિટ્સનો દાવો કરતાં અટકાવીને તેમને કામ પર પરત ફરવા પ્રોત્સાહિત કરશે. આ માટે પીઆઇપી બેનિફિટ્સ માટેની લાયકાત વધુ આકરી બનાવવામાં આવશે. ડેઇલી લિવિંગ એલાઉન્સ માટે યોગ્ય ઠરવા લાભાર્થીએ ઓછામાં ઓછી એક્ટિવિટીમાં 4 પોઇન્ટ પ્રાપ્ત કરવા પડશે.
કેન્ડલે જણાવ્યું હતું કે, પીઆઇપી દાવેદારોના નિયમિત રિએસેસમેન્ટ પર સલાહ લેવાશે. જોકે ગંભીર વિકલાંગતા ધરાવતા લોકોએ રિએસેસમેન્ટ કરાવવું પડશે નહીં. વર્કપ્લેસ કેપેબિલિટી એસેસમેન્ટ 2028 સુધીમાં નાબૂદ કરાશે. જે લોકો કામ કરવાના પ્રયાસ કરશે તેમના બેનિફિટ્સ અટકાવાશે નહીં. નવા રાઇટ ટુ ટ્રાય પગલાં સામેલ કરાશે. વેલ્ફેર બેનિફિટ્સ પરના આર્થિક લાભ રદ કરી દેવાશે.
તેમણે જાહેરાત કરી હતી કે યુનિવર્સલ ક્રેડિટમાં એપ્રિલ 2026થી પ્રતિ સપ્તાહ 15 પાઉન્ડનો વધારો કરાશે. તેનો અર્થ એ થયો કે વર્ષ 2029-30 સુધીમાં યુનિવર્સલ ક્રેડિટ એલાઉન્સમાં 775 પાઉન્ડ સુધીનો વધારો થશે. જોકે કામ કરવાની ક્ષમતાના આધારે નવા દાવેદારોના ઇનકેપેસિટી બેનિફિટમાં કાપ મૂકાશે.
યુનિવર્સલ ક્રેડિટના આરોગ્ય લાભો ઇચ્છતા 22 વર્ષથી નાના યુવાઓને હવે તે માટે યોગ્ય ગણાશે નહીં. તેમાંથી થનારી બચતને આવા યુવાઓને કામ પર પરત લાવવાની યોજનાઓ પર ખર્ચ કરાશે. સરકાર આ માટે રાઇટ ટુ વર્ક યોજનાનો પણ પ્રારંભ કરશે. ઇનકેપેસિટી બેનિફિટ્સ મેળવતા આવા લોકોને કામ પર પરત લાવવાના પ્રયાસ કરાશે.
એક મિલિયન લોકો બેનિફિટ્સ ગુમાવે તેવી સંભાવના
વેલ્ફેર સિસ્ટમમાં ધરમૂળથી કરાઇ રહેલા બદલાવને કારણે એક મિલિયન લોકોના બેનિફિટમાં ઘટાડો થશે. સૌથી વધુ ગંભીર વિકલાંગતા ધરાવતા લોકોને જ બેનિફિટ્સના લાભ અપાશે. આ બદલાવના પગલે માનસિક બીમારીથી પીડાતા અને જેમને પોતાની ક્રિયાઓ જાતે કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમને પણ બેનિફિટ્સના લાભ નહીં અપાય. બેનિફિટ્સ માટેની યોગ્યતાના માપદંડોમાં આવી રહેલા બદલાવના કારણે અંદાજિત એક મિલિયન લોકોને અસર થશે. આ બદલાવ નવા દાવાઓ અને હાલના દાવાઓની પુનઃસમીક્ષાને પણ લાગુ પડશે.
7.4 મિલિયન બ્રિટિશર સિકનેસ બેનિફિટ પ્રાપ્ત કરી રહ્યાં છે
7 મિલિયન કરતાં વધુ બ્રિટિશ નાગરિકો અત્યારે સિકનેસ બેનિફિટ પર જીવન ગુજારી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ થયો કે કામ કરી શકે તેવા પુખ્તોમાં દર 10 પૈકી એક પુખ્ત સિકનેસ બેનિફિટ મેળવી રહ્યો છે. 300 જેટલા બિઝનેસના સરવેમાં સામે આવ્યું હતું કે, દર 10માંથી 6 બિઝનેસમાં નોકરી છોડી દેનારા કર્મચારીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ માટે જવાબદાર મુખ્ય પરિબળમાં માનસિક બીમારી છે. ઘણા લોકો ઇનકેપેસિટી અને ડિસએબિલિટી એમ બંને પ્રકારના બેનિફિટ માટે દાવો કરે છે. અગાઉ સિકનેસ બેનિફિટ માટે કેટલા લોકો દાવો કરે છે તેની સંખ્યાની જાણકારી નહોતી પરંતુ સરકારી આંકડા અનુસાર 7.4 મિલિયન લોકો સિકનેસ બેનિફિટ પ્રાપ્ત કરી રહ્યાં છે. 2019માં તેમની સંખ્યા 1.8 મિલિયન હતી. દરેક વયજૂથમાં આ બેનિફિટ લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેમાં પણ સૌથી મોટી સંખ્યા યુવાઓની છે. 25 વર્ષથી નાના 1.2 મિલિયન યુવા સિકનેસ બેનિફિટ મેળવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યામાં 66 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે.