લંડનઃ બીબીસીના રેડિયો4ના પ્રેઝન્ટર અમોલ રાજને બેનિફિટ્સનો લાભ લેતા નાગરિકોને લૂટારા ગણાવતા મોટો વિવાદ સર્જાયો હતો. અમોલ રાજનને પોતાની ટિપ્પણી માટે જાહેર માફી માગવાની ફરજ પડી હતી. એક ઇન્ટર્વ્યુ દરમિયાન કરેલી ટિપ્પણીઓ મુદ્દે સ્પષ્ટતાનો પ્રયાસ કરતાં રાજને જણાવ્યું હતું કે, હું ક્યારેય બેનિફિટ્સના લાભાર્થીઓને લૂટારા ગણતો નથી. સોશિયલ મીડિયા પર અમોલ રાજનની અપમાનજનક ભાષા માટે ફરિયાદોનો ધોધ વહ્યા પછી તેમને માફી માગવાની ફરજ પડી હતી.
ઓટમ બજેટ પર લેબર મિનિસ્ટર લોર્ડ ડેવિડ બ્લન્કેટ સાથે ચર્ચા કરતા રાજને જણાવ્યું હતું કે, ચાઇલ્ડ પોવર્ટી એક્શન ગ્રુપના જણાવ્યા અનુસાર દેશમાં 4 મિલિયન કરતાં વધુ બાળકો ગરીબીમાં જીવી રહ્યાં છે. તેમાંના 70 ટકા એવા પરિવારોમાં છે જે કામ કરે છે. સવાલ બેનિફિટ્સના લૂટારાનો નથી. સવાલ કામ કરતા પરિવારોનો છે. રાજન બ્લન્કેટને ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ દૂર કરવાના નિર્ણય પર સવાલ કરી રહ્યા હતા.


