લંડનઃ બ્રિટિશ પરિવારોને બેનિફિટ તરીકે મળતી કુલ રકમમાં ૬,૦૦૦ પાઉન્ડ સુધીના નોંધપાત્ર કાપની અસર ૧૧૨,૦૦૦ પરિવારોને થશે, જેઓ સાપ્તાહિક ૧૧૫ પાઉન્ડ સુધીનો નાણાકીય લાભ ગુમાવશે. બેનિફિટ મર્યાદામાં ઘટાડાના કારણે હજારો પરિવાર ઘરબારવિહોણા બનશે અને ૩૨૯,૦૦૦ બાળકો ગરીબીમાં ધકેલાશે તેવી ચેતવણી પણ ચેરિટિઝ દ્વારા અપાઈ છે. સોમવાર, સાત નવેમ્બરથી અમલી બનેલા બેનિફિટ કાપથી લંડન તેમજ દેશના બાકીના વિસ્તારોમાં વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડના બદલે અનુક્રમે ૨૩,૦૦૦ પાઉન્ડ અને ૨૦,૦૦૦ પાઉન્ડની રકમ મળવા પ્રાપ્ત બનશે. અંદાજે ૪૨,૦૦૦ સિંગલ પેરન્ટ્સને પણ તેની અસર નડશે.
ધ ચિલ્ડ્રન્સ સોસાયટીના જણાવ્યા અનુસાર, ‘કઠોર બેનિફિટ નિયમો વધુ પરિવારને ઘરવિહોણાં બનાવશે તેમજ તેમના બાળકોના મિત્રો અને શાળાથી દૂર જવાની ફરજ પાડશે. બ્રિટનમાં ૩.૯ મિલિયન બાળકો ગરીબીમાં જીવે છે તેમાં હજુ વધારો થશે. બાળકોનાં આરોગ્ય, કલ્યાણ અને માનસિક આરોગ્ય જોખમમાં મૂકાઈ શકે છે.’
બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા બેનિફિટ કાપને યોગ્ય ગણાવી જણાવાયું છે કે અગાઉ ૨૩,૦૦૦થી વધુ પરિવારોએ બેનિફિટ્સમાં કાપ મૂકાયા પછી કામકાજ શોધ્યું છે. આર્થિક થિન્ક ટેન્ક ધ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં બાળકો અથવા વધુ ભાડું ધરાવતા પરિવારોને નવી બેનિફિટ મર્યાદાથી ખરાબ અસર થશે. અડધાથી વધુ અસરગ્રસ્ત પરિવારોમાં ઓછામાં ઓછાં ચાર બાળક હશે. જે પરિવારો મર્યાદા હેઠળ છે તેમને લંડનમાં વાર્ષિક ૩,૦૦૦ પાઉન્ડ અને અન્યત્ર ૬,૦૦૦ પાઉન્ડ ગુમાવવા પડશે.
ગયા વર્ષે જ પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને બેનિફિટ્સ મર્યાદામાં કાપની જાહેરાત કરી હતી. નવો દર ગ્રેટર લંડનની બહાર દંપતીઓ અને પરિવારો માટે વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડ (સાપ્તાહિક ૩૮૪.૬૨ પાઉન્ડ) તેમજ બાળકો સાથે ન રહેતા હોય તેવા સિંગલ વ્યક્તિ માટે મર્યાદા વાર્ષિક ૧૩,૪૦૦ પાઉન્ડ (સાપ્તાહિક ૨૫૭.૬૯ પાઉન્ડ) રહેશે.
ગ્રેટર લંડનમાં નવો દર દંપતીઓ અને પરિવારો માટે વાર્ષિક ૨૩,૦૦૦ પાઉન્ડ (સાપ્તાહિક ૪૪૨.૩૧ પાઉન્ડ) તેમજ બાળકો સાથે ન રહેતા હોય તેવા સિંગલ વ્યક્તિ માટે મર્યાદા વાર્ષિક ૧૫,૪૧૦ પાઉન્ડ (સાપ્તાહિક ૨૯૬.૩૫ પાઉન્ડ) રહેશે.
---------------------------
બેનિફિટકાપ શેને લાગુ પડશે?
બેનિફિટ કાપમાં બીરેવમેન્ટ એલાવન્સ,ચાઈલ્ડ બેનિફિટ, ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ, હાઉસિંગ બેનિફિટ, ઈનકેપિસિટી એલાવન્સ, મેટરનિટી એલાવન્સ, જોબસીકર્સ એલાવન્સ, ઈન્કમ સપોર્ટ, સીવીયર ડિસએબલમેન્ટ એલાવન્સ, વિડોડ પેરન્ટ્સ એલાવન્સ અને યુનિવર્સલ ક્રેડિટનો સમાવેશ થાય છે.
મોટા ભાગના જે લોકો ૧૬-૬૪ વયજૂથના છે અને કામ કરતા નથી અથવા સપ્તાહમાં ૧૬ કલાકથી ઓછું કામ કરે છે, તેઓ આ બેનિફિટ કાપમાં આવરી લેવાશે. તેમાં વ્યક્તિ, તેના પાર્ટનર, તેમની સાથે એક છત હેઠળ રહેતા કોઈ આશ્રિત બાળકનો પણ સમાવેશ થાય છે. જોકે, તે વ્યક્તિ સાથે રહેતા પુખ્ત બાળકો, મિત્રો અથવા સગાંનો તેમાં સમાવેસ થતો નથી. ‘મિશ્ર’ પરિવારમાં જો એક પાર્ટનર ૧૬ કલાક કે તેથી વધુ કામ કરતા હોય તો બન્નેને મર્યાદામાંથી મુક્તિ મળશે. જો એક પાર્ટનરના વય ૬૫ વર્ષ કે તેથી વધુ હોય તો તેમને મુક્તિ મળશે પરંતુ, તેમના વર્કિંગ-એજના પાર્ટનરનો આપમેળે સમાવેશ થશે.
---------------------------
કોનો સમાવેશ નહિ કરાય?
ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના જણાવ્યા અનુસાર આર્મ્ડ ફોર્સીસ કોમ્પેનશેસન સ્કીમ, આર્મ્ડ ફોર્સીસ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ, એટેન્ડન્સ એલાવન્સ, ડિસેબિલિટી લિવિંગ એલાવન્સ (DLA),એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ (માત્ર સપોર્ટ ઘટક), ઈન્ડસ્ટ્રીઅલ ઈન્જરીઝ બેનિફિટ્સ, પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ (PIP), વોર પેન્શન્સ, યુદ્ધ વિધવા અથવા વિધુર પેન્શન્સ, વર્કિંગ ટેક્સ ક્રેડિટ્સ (સપ્તાહમાં ૧૬ કે વધુ કલાક કામ કરનારાને મળવાપાત્ર) જેવાં બેનિફિટિસને આ મર્યાદામાંથી મુક્તિ છે.


