લંડન
2009માં આર્થિક કટોકટી સર્જાઇ ત્યારે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરોમાં ઘટાડો કરી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ અથવા તો ક્યુઇ નામનો બોન્ડ ખરીદવાનો વિવાદાસ્પદ પ્રોગ્રામ શરૂ કરાયો હતો. તે સમયે અર્થતંત્રને બચાવવા પગલું લેવાયું હતું પરંતુ હવે ખબર પડી રહી છે કે તેના દ્વારા દેશના કરદાતાઓ પર કેટલો મોટો બોજો નાખી દેવામાં આવ્યો હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલી ક્યુઇ તરીકે જાણીતી વર્ચ્યુઅલ મની પ્રિન્ટિંગ પોલિસી બંધ કરવા ખચકાતા હોવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે ત્યારે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સ્વીકાર્યું છે કે કરદાતાઓ પર 200 બિલિયન પાઉન્ડનો બોજો પડી શકે છે.
આર્થિક કટોકટી સામે લડવા બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા બોન્ડની ખરીદી માટે વ્યાજદરોમાં ઘટાડો કરાયો હતો. કોરોના મહામારી દરમિયાન બેન્ક ઓફ ઇંગ્લેન્ડે બોન્ડની બમણી ખરીદી કરતાં તેની ખરીદી 895 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગઇ તી. હવે તે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ નામની પ્રોસેસ અંતર્ગત ફુગાવાને ડામવા બોન્ડનું વેચાણ કરી રહી છે પરંતુ તેની આ નીતિને કારણે થનારું નુકસાન સ્પષ્ટ બની રહ્યું છે. અત્યાર સુધી ઓછા વ્યાજદરોના કારણે ક્યુઇ દ્વારા સરકારને 120 બિલિયન પાઉન્ડનો નફો થયો હતો પરંતુ હવે વ્યાજદરોમાં વધારાના કારણે સરકારને નુકસાન થઇ રહ્યું છે. જેમ જેમ વ્યાજદર વધતો જશે તેમ સરકારનું નુકસાન વધતું રહેશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના અંદાજ પ્રમાણે આ નુકસાન 50થી 200 બિલિયન પાઉન્ડનું હોઇ શકે છે. આ બધો બોજો આખરે તો કરદાતાઓ પર જ આવી પડવાનો છે. કરદાતાઓ આ નુકસાનનો બોજો ઉપાડવા માટે તૈયાર રહે.


