બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર 5.25 ટકાથી ઘટાડીને 5.0 ટકા કર્યો, 4 વર્ષ બાદ વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો રાહતભર્યો ઘટાડો

ટ્રેકર મોર્ગેજધારકોના માસિક મોર્ગેજ પેમેન્ટમાં સરેરાશ 32 પાઉન્ડની રાહત મળશે, બેઝ રેટ સાથે સંકળાયેલા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઘટશે, પર્સનલ લોન અને કાર લોન સસ્તી થઇ શકે છે, બચતકર્તાઓએ હવે રોકાણના અન્ય વિકલ્પો વિચારવા પડશે

Tuesday 06th August 2024 11:06 EDT
 

લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ચાર કરતાં વધુ વર્ષ પછી બેઝિક વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થતાં લાખો પરિવારોને રાહત મળી છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે બુધવારે વ્યાજદર 5.25 ટકાથી ઘટાડીને 5.0 ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ઊંચા વ્યાજદર ચૂકવી રહેલા મોર્ગેજધારકોને પણ આ નિર્ણયથી મોટી રાહત મળી છે. છેલ્લે માર્ચ 2020માં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. તે સમયે વ્યાજદર 0.1 ટકાની ઐતિહાસિક નીચી સપાટી પર આવી ગયો હતો. પરંતુ ડિસેમ્બર 2021 બાદ ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચ પર પહોંચી જતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત વ્યાજદરમાં વધારો કરતાં ઓગસ્ટ 2023 સુધીમાં વ્યાજદર 5.25 ટકાની સપાટી પર પહોંચી ગયાં હતાં.

મોર્ગેજ પર પડનારી અસર

ટ્રેકર મોર્ગેજ ધરાવતા મોર્ગેજધારકોના માસિક રિપેમેન્ટમાં ઘટાડો થશે. ફાઇનાન્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માસિક મોર્ગેજ પેમેન્ટમાં સરેરાશ 32 પાઉન્ડ સુધીનો ઘટાડો થશે. જોકે અગાઉ કરાયેલા વ્યાજદરમાં વધારાના કારણે મોર્ગેજધારકોએ ડિસેમ્બર 2021ની સરખામણીમાં વધુ મોર્ગેજ ચૂકવવું પડી રહ્યું છે. ફિક્સ્ડ મોર્ગેજ રેટ ધરાવતા મોર્ગેજધારકોને આ ઘટાડાનો કોઇ લાભ મળશે નહીં. જોકે રિમોર્ગેજના સમયે તેમણે અન્ય ડીલ્સની પસંદગી કરવાની રહેશે અને તેમાં તેમને લેન્ડર લાભ આપે તો સસ્તું મોર્ગેજ પ્રાપ્ત થઇ શકે છે. લેન્ડર ઇચ્છશળે તો તે સ્ટાન્ડર્ડ વેરાયેબલ રેટ ડીલ્સમાં બદલાવ લાવી શકે છે. 

ક્રેડિટ કાર્ડ અને અન્ય પ્રકારની લોન

બેઝ રેટ સાથે લિન્ક ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં ઘટાડો થશે. પર્સનલ લોન અને કાર લોન પરના વ્યાજદરો મુખ્યત્વે ફિક્સ્ડ રેટ હોય છે. વ્યાજદરમાં ઘટાડા બાદ નવી લોન પર લેન્ડરો કેટલી રાહત આપશે તેના પર નવી લોન સસ્તી કે મોંઘી થશે તેનો આધાર રહેશે. હાલ તો આ પ્રકારની લોનો ગયા વર્ષની સરખામણીમાં ઘણી મોંઘી છે.

બચતો પર પડાનારી અસરો

સેવિંગ્સ એકાઉન્ટ પ્રોવાઇડર્સ હવે તેમના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે તેથી બચતકર્તાઓએ સારું વળતર આપતાં રોકાણો તરફ વળવું પડશે. રાહતના સમાચાર એ છે કે હજુ ઘણી બેન્કો એવી છે જે ફુગાવાના દર કરતાં વધુ દરે વ્યાજ ચૂકવી રહી છે. અલસ્ટર બેન્ક 5.2 ટકા, ઓકનોર્થ બેન્ક 5.37 ટકા વ્યાજ ચૂકવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter