લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા મુખ્ય વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરાતાં 4.0 ટકા પર પહોચ્યો છે. ઓગસ્ટ 2024 પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પાંચમી વાર વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. વ્યાજદરમાં ઘટાડાને કારણે મોર્ગેજ સહિતના ધીરાણો સસ્તાં થશે પરંતુ ફુગાવાના દરમાં વધારાની ચિંતા પણ સેવાઇ રહી છે. મોર્ગેજ ધારકોને થોડી રાહત તો મળશે પરંતુ બચતો પર થતી આવકમાં ઘટાડો થઇ શકે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે મોનિટરી પોલિસી રિપોર્ટમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર સુધીમાં ફુગાવાનો દર 4 ટકા પર પહોંચી શકે છે. ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય સંતુલિત રીતે લેવાયો છે. જોકે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડાનો નિર્ણય કાળજીપુર્વક લેવાશે.