બેન્ક ઓફ ઇન્ડિયા કેસમાં સુનાવણીમાં વિલંબ કરવાની નીરવ મોદીની અપીલ ફગાવાઇ

Tuesday 10th February 2026 09:26 EST
 
 

લંડનઃ બેન્ક ઓફ ઇન્ડિયાના લોન કેસમાં કેસની સુનાવણીમાં વિલંબ કરવાની નીરવ મોદીની અપીલ લંડનની હાઇકોર્ટે નકારી કાઢી હતી. નીરવ મોદી તરફથી કોર્ટમાં દલીલ કરાઇ હતી કે તે બરાબર જોઇ શક્તો નથી, ક્લિનિકલ ડિપ્રેશનમાં છે અને જેલમાં રહેવાના કારણે સમસ્યાઓ પેદા થઇ રહી છે.

લંડનની એચએમપી પેન્ટનવિલે પ્રિઝનમાંથી વીડિયો લિન્ક દ્વારા સુનાવણીમાં સામેલ થયેલા નીરવ મોદીને જજ સાયમન ટિન્કલરે જણાવ્યું હતું કે, આરોપીને કોઇ ગેરલાભ થઇ રહ્યો નથી અને 23 માર્ચથી શરૂ થનારી આઠ દિવસની સુનાવણીમાં તેને સમાન તક અપાશે. દુર્ભાગ્યે આરોપી એક જ પેટર્નથી સુનાવણીમાં વિલંબના પ્રયાસ કરી રહ્યો છે.

જજે જણાવ્યું હતું કે, જેલમાં લદાયેલા નિયંત્રણોથી નીરવ મોદીને સમસ્યાઓ થતી હશે પરંતુ ઘણા આરોપી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે. વાદી બેન્ક ઓફ ઇન્ડિયા ઘણા વર્ષોથી કેસની સુનાવણી અને મોદી પાસેથી નાણાની વસૂલાત માટે રાહ જોઇ રહી છે ત્યારે સુનાવણીમાં વિલંબ કરી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter