લંડનઃ લંડનમાં જેલમાં કેદ ભારતીય બિઝનેસમેન નીરવ મોદીને ગંભીર ફટકો મારતા લંડનની હાઇકોર્ટે બેન્ક ઓફ ઇન્ડિયાને 8 મિલિયન ડોલર ચૂકવવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા નીરવ મોદી વિરુદ્ધ સમરી જજમેન્ટ જારી કરાયું હતું. પક્ષકારના કેસમાં દમ ન હોય અથવા તો પક્ષકાર સુનાવણીમાં હાજર ન રહે ત્યારે આ પ્રકારનું સમરી જજમેન્ટ જારી કરાતું હોય છે.
હાઇકોર્ટે બેન્ક ઓફ ઇન્ડિયા અને નીરવ મોદીની દુબઇ સ્થિત કંપની ફાયરસ્ટાર ડામન્ડ વચ્ચે ચાલી રહેલા કાનૂની યુદ્ધમાં આ ચુકાદો આપ્યો હતો. બેન્કે નીરવ મોદીની કંપની પાસેથી 8 મિલિયન ડોલરની વસૂલાત માટે લંડનની હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર બેન્ક ઓફ ઇન્ડિયાએ નીરવ મોદીની કંપનીને 9 મિલિયન ડોલરની ક્રેડિટ ફેસિલિટી આપી હતી પરંતુ 2018માં બેન્કે નાણા પરત માગ્યા ત્યારે નીરવ મોદીની કંપની નાણા પરત કરી શકી નહોતી. ફાયરસ્ટાર ડાયમન્ડ દુબઇમાં સ્થિત છે. યુકેની અદાલતના સમરી જજમેન્ટના કારણે રિકવરી પ્રોસેસ શરૂ કરી શકાશે અને આ માટે નીરવ મોદીની વિશ્વભરમાં આવેલી સંપત્તિઓની હરાજી થઇ શકે છે.