બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રયુ બેઈલીને પગાર પણ યાદ નથી!

Tuesday 01st March 2022 13:48 EST
 
 

લંડનઃ પગારો પર નિયંત્રણો રાખવાના સૂચનથી રોષ જન્માવનારા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રયુ બેઈલીને તેઓ કેટલું વેતન મેળવે છે તે પણ યાદ નથી. આવું એટલા માટે પણ થઈ શકે છે કે સામાન્ય રીતે અતિશય મોટી રકમની ગણતરી યાદ રહેતી નથી. બેઈલી વાર્ષિક 575,000 પાઉન્ડથી વધુનું વેતન પેકેજ ધરાવે છે.

ટ્રેઝરી સિલેક્ટ કમિટીના સાંસદોએ ગવર્નર એન્ડ્રયુ બેઈલીને તેઓ શું વેતન મેળવે છે તેવો પ્રશ્ન કર્યો હતો પરંતુ તેમણે ઉત્તરમાં કહ્યું હતું કે હું મારા મગજમાં આવી ગણતરી રાખતો નથી. થોડા સમય અગાઉ, બેઈલીએ ફૂગાવાને નિયંત્રણમાં રાખવા વર્કર્રોએ મોટા પગારવધારાની માગણી કરવી જોઈએ નહિ તેવું સૂચન કરી યુનિયનોનો રોષ વહોરી લીધો હતો. 10 ડાઉનિગ સ્ટ્રીટે પણ આ માટે બેઈલીને ઠપકો આપ્યો હતો.

લેબર સાંસદ એન્જેલા ઈગલે યુકેમાં કેર વર્કર્સ વર્ષમાં કેટલો પગાર મેળવે છે તેવો પ્રશ્ન ગવર્નર બેઈલીને કર્યો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વડા ગવર્નરે જવાબ આપ્યો હતો કે તેમનો પોતાનો પગાર પણ ખરેખર કેટલો છે તેની ચોક્કસ ખબર તેમને નથી. આ સમયે મિસ ઈગલે પૂછ્યું હતું કે,‘આ જ સમયગાળામાં તમારો પગાર કેટલો હતો?’ મિ. બેઈલીએ જવાબ વાળ્યો હતો કે ‘ગણનાપાત્ર રીતે ઊંચો છે, કદાચ 500,000 પાઉન્ડથી વધારે જ છે.ખરેખર કેટલો પગાર છે તે કહી શકું તેમ નથી. હું મારા મગજમાં તે યાદ રાખતો નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter