બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નરની શોધ શરૂઃ રઘુરામ રાજન અને શ્રિતી વાડેરા પણ દાવેદાર

Wednesday 01st May 2019 02:25 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વર્તમાન ગવર્નર માર્ક કાર્ની ૨૦૨૦ની ૩૧ જાન્યુઆરીએ વિદાય લઈ રહ્યા છે ત્યારે ચાન્સેલર ફિલિપ હેમન્ડ દ્વારા નવા ગવર્નર શોધવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે. આ માટે લંડનની રિક્રૂટમેન્ટ ફર્મ સેફાયર પાર્ટનર્સને કામ સોંપાયું છે અને અરજી કરવાની આખરી તારીખ પાંચ જૂન, ૨૦૧૯ છે. માર્ક કાર્નીએ પહેલી જુલાઈ ૨૦૧૩ના રોજ કામગીરી સંભાળ્યા પછી ૨૦૧૮માં વિદાય લેવાના હતા પરંતુ, બ્રેક્ઝિટ વોટના લીધે તેમની મુદત બે વખત લંબાવાઈ હતી. હવે તેમનું સ્થાન લેવા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુમાન રાજન, ઓફકોમના ચીફ એક્ઝિક્યુટિવ શેરોન વ્હાઈટ, યુએસ ફેડરલ રિઝર્વના પૂર્વ વડા જેનેટ યેલેન, સેન્ટેન્ડર યુકેના અધ્યક્ષા શ્રિતી વાડેરા તેમજ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ ઈકોનોમિસ્ટ એન્ડી હાલ્ડેન સહિતના મહાનુભાવો દોડમાં છે.

શેરોન વ્હાઈટ,ઓફકોમના ચીફ એક્ઝિક્યુટિવઃ

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના આગામી ગવર્નર તરીકે મીડિયા રેગ્યુલેટર ઓફકોમના વડા શેરોન વ્હાઈટ કદાચ સ્વાભાવિક પસંદ ન બને પરંતુ, તેમણે યુકે અને વિદેશમાં પણ ચાવીરુપ ભૂમિકાઓ ભજવી છે. ઓફકોમમાં જોડાયાં અગાઉ, તેઓ ટ્રેઝરીમાં સેકન્ડ પરમેનન્ટ સેક્રેટરી હતાં, જેમનું કાર્ય પબ્લિક ફાયનાન્સ પર દેખરેખનું હતું. તેમની અન્ય મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર હેઠળ નં.૧૦ પોલિસી યુનિટમાં સિવિલ સર્વિસ એડવાઈઝર તેમજ વોશિંગ્ટન ડીસી.માં વર્લ્ડ બેન્ક ખાતે સીનિયર ઈકોનોમિસ્ટ પદનો સમાવેશ થાય છે. તેમણે ટ્રેઝરીના સ્વતંત્ર આગાહીકાર ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના વડા રોબર્ટ ચોટે સાથે લગ્ન કરેલાં છે.

રઘુરામ રાજન, ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરઃ

ઉચ્ચ કક્ષાના અર્થશાસ્ત્રી અને નેતૃત્વનો અનુભવ ધરાવતા રઘુરામ રાજને છેક ૨૦૦૫માં નાણાકીય કટોકટીના જોખમની વાત ઉચ્ચારી હતી. તેમણે ગત સપ્તાહોમાં પોતાના પુસ્તકના પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. આ પુસ્તકમાં તેમણે અર્ધભાંગેલા મૂડીવાદી મોડેલને પુનર્જિવિત કરવાની વાત કરી છે. અર્થતંત્રના તમામ સ્તરે વધુ પ્રમાણમાં સ્પર્ધાત્મકતાને પસંદ કરતા ચાન્સેલર હેમન્ડને માફક આવે તેવા ઉપાયો આ પુસ્તકમાં તેમણે રજૂ કર્યા છે. જોકે, એક સમસ્યા છે કે અગાઉ તેમણે આ કામગીરી સંભાળવાની તૈયારી ન હોવાનું જણાવ્યું છે પરંતુ, કદાચ તેમને સમજાવી શકાય.

જેનેટ યેલેન, યુએસ ફેડરલ રિઝર્વના પૂર્વ વડાઃ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ફેડરલ રિઝર્વના વડા તરીકે પુનઃ નિયુક્ત નહિ કરવાથી જેનેટ યેલેન નિરાશ થયાં હતાં. જોકે, ફેડરલ રિઝર્વે જે ગુમાવ્યું તેનો લાભ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ લઈ શકે છે. બેન બર્નાન્કેના અનુગામી યેલેને ફાઈનાન્સિયલ ક્રાઈસીસમાંથી યુએસના અર્થતંત્રને બહાર લાવવાં અને તે પછી સ્ટિમ્યુલસ પ્રોગ્રામને પાછો ખેંચવામાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. ઈન્ટરેસ્ટ રેટ્સ વધારવામાં અને ગવર્મેન્ટ બોન્ડ્સના વેચાણનો તેમનો અનુભવ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને વિશેષ કામ લાગી શકે છે કારણકે બેન્કે તેના ક્વોન્ટિટેટિવ-ઈઝિંગ કાર્યક્રમ અંતર્ગત પ્રાપ્ત કરેલા ૪૫૦ બિલિયન પાઉન્ડથી વધુ રકમના બોન્ડ્સ પાછાં બજારમાં મૂકાય તેનો સમય આવી શકે છે.

શ્રિતી વાડેરા, સેન્ટેન્ડર યુકેના અધ્યક્ષાઃ

લેબર પાર્ટીના બેરોનેસ શ્રિતી વાડેરા પાર્ટી નેતાગીરીની નિકટના મનાતા નથી પરંતુ, પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કરની ખ્યાતિ ધરાવે છે. નાણાકીય કટોકટી દરમિયાન વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનના મુખ્ય સહાયકોમાં એક તરીકે ટ્રેઝરીમાં અગ્ર ચહેરો બની ગયાં હતાં. માઈનિંગ ફર્મ BHP તથા ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસ એસ્ટ્રાઝેનેકામાં ડાયરેક્ટરપદે રહ્યાં હોવાથી કોઈ પણ ઉમેદવાર તરીકે વ્યાપક બિઝનેસ અનુભવ ધરાવે છે. તેમની પાસે મેનેજમેન્ટનો વિશાળ અનુભવ છે પરંતુ, ઈન્ટરેસ્ટ રેટ્સ સ્થાપિત કરવાની મહત્ત્વની કામગીરીમાં તેઓ કદી સંકળાયાં નથી.

એન્ડી હાલ્ડેન, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ ઈકોનોમિસ્ટઃ

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નીતિઓની રજૂઆત તેમજ બ્રેક્ઝિટ વોટ પછી મોનેટરી પોલિસી વિશે વધુ સખત વલણ અપનાવનારા હાલ્ડેન અને માર્ક કાર્ની વચ્ચે સંઘર્ષ હોવાનું કહેવાય છે. આ પછી, હાલ્ડેને સરકારની ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રોજગારના ભાવિ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે પ્રવચનો આપવા માંડ્યા હતા. સંસ્થાના વડા બનવા માટે હાલ્ડેન કદાચ વધુ વિચારશીલ અને એકેડેમિક લાગે પરંતુ, તેમની ઉદ્દામ વિચારધારાના કારણે તેઓ લેબર શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલના માનીતા બન્યા છે. નવા ગવર્નરનો નિર્ણય લેવાય ત્યારે કદાચ મેક્ડોનેલ સત્તા પર હોઈ શકે છે.

આ ઉપરાંત, ઓગસ્ટીન કાર્સ્ટેન્સ (બેન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સના જનરલ મેનેજર), એન્ડ્રયુ બેઈલી (ફાયનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ), જેસન ફરમાન (હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર), સર જોન કન્લિફ (બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ગવર્નર ફોર ફાયનાન્સિયલ સ્ટેબિલિટી), બેન બ્રોડબેન્ટ (બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ગવર્નર ફોર મોનેટરી પોલિસી) અને નેમાટ શફિક (ડાયરેક્ટર, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ)નાં નામ પણ વિચારણા હેઠળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter