બેન્કો મોર્ગેજ હોલીડેની રાહત ઓફર કરશે

Friday 13th March 2020 03:29 EDT
 
 

લંડનઃ યુકેની નેટવેસ્ટ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને અલ્સ્ટર બેન્ક સહિત હાઈ સ્ટ્રીટ લેન્ડર્સ કોરોના વાઈરસની ઘેરાયેલા મકાનમાલિકોને મદદરુપ થવા બિલિયન્સ પાઉન્ડની રાહત આપવા વિચારી રહ્યા છે. આ બેન્કો ત્રણ મહિના માટે મોર્ગેજ ચૂકવણીમાં હોલીડે ઓફર કરશે. આ યોજના માટે આવકમાં ઘટાડો કે નુકસાન ભોગવનારા નાના બિઝનેસ માલિકો તેમજ ઘરમાં અલાયદા રહેવાની ફરજ પડી હોય તેવા સ્વરોજગારી વર્કર્સનો સમાવેશ થઈ શકે છે.

સરકારનું પીઠબળ ધરાવતા ગ્રૂપની નેટવેસ્ટ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને અલ્સ્ટર બેન્ક દ્વારા સ્પષ્ટ કરાયું છે કે તેઓ કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પરિવારો માટે ત્રણ મહિના સુધી મોર્ગેજ ચૂકવણીમાં હોલીડે ઓફર કરી શકે છે. રોગચાળાથી નાણાકીય મુશ્કેલીઓમાં સપડાયેલા પરિવારો, આવકમાં ઘટાડો કે નુકસાન ભોગવનારા નાના બિઝનેસ માલિકો તેમજ ઘરમાં અલાયદા રહેવાની ફરજ પડી હોય તેવા સ્વરોજગારી વર્કર્સનો આ યોજનામાં સમાવેશ કરાશે. સમગ્ર ઈટાલીમાં તાળાબંધી જાહેર કરાઈ છે ત્યારે મોર્ગેજ પરત ચૂકવણી અને પારિવારિક બિલ્સની ચૂકવણીઓ સસ્પેન્ડ કરી દેવાઈ છે.

રોગચાળાના કારણે યુકેના અર્થતંત્રને નુકસાન થઈ શકે તેવા ભય વચ્ચે નેટવેસ્ટ દ્વારા કહેવાયું છે કે તેઓ ચોક્કસ સમયગાળા માટે અસરગ્રસ્તોને મદદરુપ બનવા તમામ ગ્રાહકો પર કોરોના વાઈરસની સંભવિત અસરો પર નજર રાખી રહ્યા છે. મોર્ગેજ ચૂકવણી મુલતવી રાખવાની દરેક અરજી પર કેસ અનુસાર નિર્ણય લેવાશે. કોરોના વાઈરસના લીધે વ્યક્તિગત ગ્રાહકો આવકમાં નુકસાન જેવી નાણાકીય મુશ્કેલીમાં આવી શકે છે. નેટવેસ્ટ દ્વારા સંઘર્ષરત નાની કંપનીઓ માટે છ મહિના સુધી લોન પરત ચૂકવણીમાં રાહત તેમજ કોઈ ફી વિના ટુંકા ગાળાની ઈમર્જન્સી લોન્સ માટે પાંચ બિલિયન પાઉન્ડનું ભંડોળ અલગ રખાયું છે.

બ્રિટનના સૌથી મોટા ધીરાણકાર લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપની લોઈડ્ઝ અને હેલિફેક્સ સહિતની સંસ્થાઓ જરૂરિયાત સાતેના ગ્રાહકોને મોર્ગેજીસ અને લોન્સની ચૂકવણીમાં રાહત ઓફર કરશે. લોઈડ્ઝ દ્વારા નાની પેઢીઓને નવી લોન્સ આપવા બે બિલિયન પાઉન્ડનું ભંડોળ અલગ રખાયું છે. તેઓ ક્રેડિટ કાર્ડ્સ, લોન્સ અને મોર્ગેજીસની ચૂકવણી ન કરી શક્યા હોય તેમના માટે ફી પણ જતી કરશે. TSB એ જણાવ્યું છે કે તેઓ બે મહિના સુધી ગ્રાહકોને રાહત આપશે, ગ્રાહકો બચતોનો ઉપયોગ કરી શકે તે માટે પેનલ્ટીઝ જતી કરશે અને ક્રેડિટ કાર્ડ્સ પરની ક્રેડિટ લિમિટમાં વધારો કરશે.

બીજી તરફ, બાર્કલેઝ દ્વારા મોર્ગેડ હોલીડે જાહેર નહિ કરાય પરંતુ, મોર્ગેજીસ નહિ ચૂકવી શકેલા અરજદાર મકાનમાલિકો પર પેનલ્ટી ચાર્જીસ રદ કરશે જેથી તેઓ બચતોનો ઉપયોગ કરી શકે અથવા તેમની ક્રેડિટ કાર્ડ્સ લિમિટમાં વધારો કરી શકે છે. સેન્ટાન્ડર દ્વારા પણ મોર્ગેજ હોલીડે જાહેર કરાશે નહિ પરંતુ, અરજીઓના આધારે પરત ચૂકવણીને મુલતવી રાખવા કે ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. નાણાકીય મુશ્કેલી અનુભવી રહેલા પરિવારો અને બિઝનેસીસને મદદ કરવા બેન્કો પર ભારે દબાણ આવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter