બેન્કોએ ઊંચા વ્યાજદરોથી મેળવેલા નફાનો લાભ બચતકારોને આપવા દબાણ

પ્રોફિટ પરનો સરચાર્જ 8 ટકાથી ઘટાડી 3 ટકાનો કરાયાથી પણ બેન્કોને લાભ થશે

Tuesday 28th March 2023 14:52 EDT
 

લંડનઃ બ્રિટનની સૌથી મોટી બેન્કો પર ઊંચા વ્યાજદરોથી મેળવેલા નફાને બચતકારોમાં વહેંચવાનું દબાણ વધી રહ્યું છે. ટ્રેડ યુનિયન ‘યુનાઈટ’ના જણાવ્યા મુજબ મોટી બેન્કોએ આમ નહિ કરીને વધારાનો 7 બિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો છે અને ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા કરાયેલી કરમાં કાપની જાહેરાતથી પણ તેમને લાભ થવાનો છે. સાંસદોની શક્તિશાળી ટ્રેઝરી કમિટીએ સિટી વોચડોગ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને આ મુદ્દો તપાસવા ભલામણ કરી છે.

બેન્કો સેન્ટ્રલ બેન્કના બેઝિક રેટને રેફરન્સ પોઈન્ટ તરીકે ગણીને ડિપોઝિટ્સની સરખામણીએ લોન્સ પર ઊંચા દર વસૂલ કરીને નાણા કમાય છે. કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી ઝડપી ગતિએ વધી રહી છે ત્યારે બચતકારોને લાભ આપવાના બદલે કરજ લેનારાઓને વધુ લાભ આપવાના પગલાં બદલ રાજકીય ફલક સહિત તમામ સ્થળેથી બેન્કિંગ ઈન્ડસ્ટ્રી પર દબાણ વધી રહ્યું છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બેઝ રેટ વધારીને 4 ટકા કરાયો હોવાં છતાં, બાર્કલેઝ, HSBC, લોઈડ્ઝ બેંકિંગ ગ્રૂપ અને નેટવેસ્ટ ગ્રૂપે તેમના સેવિંગ્સ એકાઉન્ટ્સ પર 1.3 ટકાથી ઓછાં વ્યાજદર બાબતે ગયા મહિને બચાવ કરવાની ફરજ પડી હતી.‘યુનાઈટ’ 2022ના ઉત્તરાર્ધમાં બેંકોના પ્રોફિટસના એનાલિસીસ મુજબ કોવિડ મહામારી ત્રાટકી તે અગાઉ સેન્ટ્રલ બેન્કનો બેઝ રેટ શૂન્યની નજીક રહ્યો હતો તેવા 2019ના આ જ સમયગાળાની સરખામણીએ ધીરાણકારોએ વ્યાજની ચોક્ખી આવક તરીકે વધારાના 7 બિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો છે.

ચાન્સેલર હન્ટે તેમના બજેટમાં ટેક્સના ફેરફારની જોગવાઈ જાહેર કરી છે તેનાથી પણ મોટી બેન્કોને ભારે લાભ થવાનો છે. એપ્રિલ મહિનાથી સરકાર બેંક પ્રોફિટ પરનો સરચાર્જ 8 ટકાથી ઘટાડી 3 ટકાનો કરશે જેનાથી કોર્પોરેશન ટેક્સમાં થયેલા વધારાને લગભગ સરભર કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter