બેરી ગાર્ડીનર ચાઈના લો ફર્મ સાથે નાણાકીય સંબંધના વિવાદમાં

Wednesday 15th February 2017 08:04 EST
 
 

લંડનઃ શેડો ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી બેરી ગાર્ડીનર ચાઈનીઝ દૂતાવાસ માટે ચીફ લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત કંપની પાસેથી સ્ટાફ કોસ્ટ તરીકે ૧૮૪ ૨૮૪ પાઉન્ડ મેળવવાના વિવાદમાં સપડાયા છે. ધ ટાઇમ્સ દ્વારા તપાસમાં એ સ્થાપિત થયું છે કે ૫૯ વર્ષના શેડો મિનિસ્ટરે કથિત ફર્મના સ્થાપકના પુત્રને તેમની વેસ્ટમિનસ્ટર ઓફિસમાં નોકરીએ રાખ્યા હતા. ક્રિસ્ટીન લી એન્ડ કંપની લો ફર્મ પાસેથી મળતી ચૂકવણીઓમાંથી અંશતઃ રકમ સ્થાપક ક્રિસ્ટીન લીના પુત્ર ડેનિયલ વિલકેસના પગારમાં અપાતી હોવાનું પાર્લામેન્ટરી રેકોર્ડ્સમાં જોવા મળ્યું છે.

ગાર્ડીનર શેડો મિનિસ્ટર બન્યા તેના થોડા સમય પછી સપ્ટેમ્બર ૨૦૧૫માં આ ડોનેશન્સ શરૂ થયા હતા. બ્રિટનની ન્યૂક્લિયર ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને ચીનના સરકારી ઊર્જા જાયન્ટ દ્વારા અંશતઃ ભંડોળ કરાયેલા હીન્કલે પોઈન્ટ પાવરપ્લાન્ટમાં વધુ સંકળાવાના ચીનના પ્રયાસના ગાર્ડીનર સમર્થક રહ્યા છે. ક્રીસ્ટન લી એન્ડ કંપની દ્વારા મળેલા દાન રજીસ્ટર ઓફ ઇન્ટરેસ્ટમાં યોગ્ય રીતે જાહેર પણ કરાયેલા છે. આ ચૂકવણીઓ અયોગ્ય હોવાનું કોઈ સૂચન નથી પરંતુ આ મુદ્દો લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બીનના વરિષ્ઠ નેતાઓ દ્વારા હિતોના સંઘર્ષ તરફ દોરી જાય તેવી શક્યતા છે.

લેબર પાર્ટીના એક સૂત્રે ધ ટાઇમ્સને જણાવ્યું હતું કે જયારે તમે શેડો કેબિનેટમાં ભૂમિકા ધરાવતા હો ત્યારે આ સમસ્યા બની શકે છે. વાસ્તવમાં તો આ મહિલા તેના પૂત્રને પાર્લામેન્ટરી પાસ મળે તે માટે ચૂકવણી કરતી હતી.

ગાર્ડીનરે જણાવ્યું હતું કે યોગ્યતાના આધારે વેતન સહિતની નોકરી મેળવતા અગાઉ વિલ્કેસે કેટલાક મહિના સુધી વોલિન્ટિયર તરીકે કામ કર્યું હતું. તેમની સંસદીય અને શેડો મિનિસ્ટર તરીકેની ફરજો સંબંધે લો ફર્મ દ્વારા તેઓ કદી અયોગ્ય રીતે પ્રભાવિત કરાયા નથી. જોકે અયોગ્યતાની કોઈ બાબત ન હોય તો પણ ગાર્ડીનરની વર્તણૂંક સાસંદોની આચારસંહિતામાં બંધબેસતી નથી, જેમાં જણાવાયું છે કે ‘જાહેર હોદ્દા ધરાવનારાઓએ તેમની સત્તાવાર ફરજો કરવામાં અસર પાડી શકે તેવી બાહ્ય વ્યક્તિઓ કે સંસ્થાઓના કોઈ નાણાંકીય કે અન્ય ઉપકાર હેઠળ આવવું જોઈએ નહીં.’ કોઈ ખાનગી કંપની અને વિદેશી સરકાર સાથે ગાઢ સંપર્કો ધરાવતી કંપની પાર્લામેન્ટરી સ્ટાફનો ખર્ચ ચૂકવે તે માની શકાય તેવું નથી. જો શેડો પોર્ટફોલિયોમાં ગાર્ડીનરનું બીજીંગ તરફી વલણ અને લીના પુત્રને તેની ફર્મના નાણા થકી નોકરી અપાય તો ભ્રષ્ટ રસમ કહી શકાય.

ધ ટાઈમ્સના તંત્રી લેખમાં જણાવાયું છે કે જો વેપારી સંબંધો અને બીજીંગ વિશે ગાર્ડીનરના વલણ માત્ર સાંયોગિક હોય તો પણ તે મૂર્ખામીનું પ્રદર્શન કરે છે. ઉદ્યોગોમાં ચાઈનીઝ રોકાણ વિરોધને પાત્ર નહીં પરંતુ આવકાર્ય છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરી દેશના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેની સંકળામણ અને ગુપ્ત રહસ્ય મેળવવા તે અલગ બાબત છે. પોતાના સાથીઓથી હોદ્દાને વિવાદમાં ઘસડવો ન જોઈએ તેમ ગાર્ડીનરે બરાબર જાણવું જોઈએ.

બેરી ગાર્ડીનરનો પ્રતિભાવ

બેરી ગાર્ડીનરની વેબસાઇટ પર મીડિયા અહેવાલોના સંબંધે પ્રતિભાવ અપાયો છે. જે અનુસાર ‘ક્રિસ્ટીન લી એન્ડ કંપની દ્વારા વર્ષોથી પાર્લામેન્ટના સભ્ય તરીકે મારા કાર્યને સમર્થન અપાયું છે. ઓરીએન્ટલ સિટીના પુનઃ વિકાસ તેમજ બ્રેન્ટમાં મકાનોને અને કોમ્યુનિટી સંબંધોને નુકસાનની બાબતોમાં અમે સાથે રહીને લડત આપી છે. સરકારને જવાબદાર ઠેરવવા મજબૂત રીસર્ચ સપોર્ટ ટીમ એપોઇન્ટ કરવા આ ફર્મે મને સાથ આપ્યો છે. આ બાબત રજિસ્ટર્ડ ઓફ મેમ્બર્સ ઇન્ટરેસ્ટમાં પારદર્શક અને યોગ્ય રીતે નોંધાય છે. ધ ટાઈમ્સના આર્ટીકલમાં એવું કશું જાહેર કરાયું નથી કે જે અગાઉ જાહેર ક્ષેત્રમાં હોય નહી અને તેઓ ખુદ સ્વીકારે છે કે સ્ટાફના સેકન્ડમેન્ટને યોગ્ય રીતે જાહેર કરાયું છે અને તેમાં અયોગ્યતાનું કોઈ સૂચન નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter