લંડનઃ સરકાર દ્વારા યુવા બેરોજગારી નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ઓપનિંગ શિફ્ટ નામના એક વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ ટેસ્કો, જોન લુઇસ અને કોસ્ટા કોફી જેવા દેશના અગ્રણી રિટેલર્સ યુનિવર્સલ ક્રેડિટ મેળવતા હજારો યુવાનોને વર્ક એક્સપિરિયન્સ પૂરો પાડશે.
બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ અને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની આ યોજનામાં અત્યાર સુધીમાં 40 જેટલા મોટા રિટેલર્સ જોડાયા છે, જે બે થી ચાર અઠવાડિયાની કામગીરીની તક આપશે. આ પ્લેસમેન્ટ પૂર્ણ થયા બાદ યુવાનોને ઈન્ટરવ્યુની સુવિધા આપવામાં આવશે, જેથી યોગ્ય ઉમેદવારોને સીધી નોકરી મળી શકે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે સ્વેચ્છિક રહેશે અને ઉમેદવારોને મળવાપાત્ર યુનિવર્સલ ક્રેડિટ લાભો યથાવત રહેશે. આ યોજનાનો મુખ્ય હેતુ શિક્ષણ, રોજગાર કે તાલીમથી વંચિત યુવાનો માટે આગામી ચૂંટણી સુધીમાં 1,00,000 નોકરીઓનું સર્જન કરવાનો છે.
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી પેટ મેકફેડનના જણાવ્યા અનુસાર, આ યોજના યુવાનોને અનુભવ વિના નોકરી નહીં અને નોકરી વિના અનુભવ નહીંના ચક્રવ્યૂહમાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થશે.

