લંડનઃ કોરોના લોકડાઉનમાં ૨૫થી ઓછી વયના વિક્રમજનક ૫૩૮,૦૦૦ યુવાનોએ યુનિવર્સલ ક્રેડિટના ક્લેઈમ્સ કર્યા હતા. લોકડાઉન દરમિયાન યુનિવર્સલ ક્રેડિટ ક્લેઈમ કરનારામાં ૨૫૦,૦૦૦ યુવાનોનો વધારો થયો હતો. આનો અર્થ એ થાય છે કે ૧૬-૨૪ વયજૂથના સાત મિલિયન બ્રિટિશરોમાંથી ૧૩માંથી એક યુવાને બેનિફિટ્સ મેળવવાના દાવા કર્યા હતા. આવા યુવાનોને કામે લગાવવા માટે સરકારે ૨ બિલિયન પાઉન્ડની ‘કિકસ્ટાર્ટ- KickStart’ યોજના લોન્ચ કરી છે. જોકે, બિઝનેસીસે શંકા દર્શાવી છે કે આ યોજનાથી અર્થતંત્રને કોઈ ગતિ મળશે નહિ.
સરકારની આ યોજના હેઠળ બેનિફિટ્સના લાભાર્થીઓને કામની ઓફર કરશે અને સરકાર ૧૦૦ ટકા લઘુતમ વેતન, નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન પેમેન્ટ્સ ચૂકવી આપશે. કોરોના વાઈરસ લોકડાઉનના માર્ચ અને જુલાઈ મહિનાઓ દરમિયાન યુનિવર્સલ ક્રેડિટ ક્લેઈમ કરનારા યુવાનોની સંખ્યા ૨૫૦,૦૦૦ના વધારા સાથે વિક્રમી ૫૩૮,૦૦૦ના આંકે પહોંચી હતી. આ સાથે ૧૬-૨૪ વયજૂથના ૧૩માંથી એક યુવાને બેનિફિટ્સ ક્લેઈમ કર્યા હતા. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન દ્વારા લોન્ચ કરાયેલી ‘KickStart’ સ્કીમ શરુઆતમાં ડિસેમ્બર ૨૦૨૧ સુધી ખુલ્લી રખાશે. સરકાર એમ્પ્લોયર્સને સપોર્ટ અને ટ્રેનિંગ માટે ૧૫૦૦ પાઉન્ડની ગ્રાન્ટ આપશે. ટેસ્કો સહિત મોટા એમ્પ્લોયર્સ આ યોજનામાં સામેલ થયા છે.
ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે આ માત્ર અર્થતંત્રને ગતિ આપવાની વાત નથી. આનાથી મહામારીના કારણે પાછળ રહી ગયેલા હજારોની સંખ્યામાં યુવાવર્ગને કારકિર્દીને ગતિ આપવાની મોટી તક મળશે. આ યોજનાથી નવી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે પ્રવેશદ્વાર ખુલી જશે.
બીજી તરફ, વડા પ્રધાન જ્હોન્સને વધુ પ્રમાણમાં બ્રિટિશરો ઓફિસે કામ કરવા પરત ફરે તેનું અભિયાન આરંભ્યું છે અને મોટી સંખ્યામાં વર્કર્સ કામે ચડી રહ્યા હોવાનો દાવો પણ કર્યો છે. તેમણે ઘેરથી જ કામ કરી રહેલા નોકરિયાતોને ચેતવણી પણ આપી છે કે તેમના પર નોકરીમાંથી છૂટા કરાવાનું જોખમ પણ રહેશે.