લંડનઃ નોકરી ધંધો નહીં કરનારા લોકોને ફરી કામે લગાડવા સ્ટાર્મર સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરાઇ છે. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી એવા લેસ્ટર વેસ્ટના સાંસદ લિઝ કેન્ડાલે આર્થિક નિષ્ક્રિયતા ઘટાડવા અને બે મિલિયન લોકોને ફરી કામ ધંધો કરતા કરવા માટે વ્હાઇટ પેપર જાહેર કરવાની ઘોષણા કરી હતી. કેન્ડાલે જણાવ્યું હતું કે, બ્રિટનના આર્થિક વિકાસ માટે બ્રિટનને ફરી ધમધમતું કરવાની જરૂર છે. અમારા દ્વારા પ્રસ્તાવિત સુધારા નવી તકો ઉપલબ્ધ કરાવીને લોકોને કામમાં જોડશે, સ્થાનિક આગેવાનોને નોકરીઓના સર્જન માટે પ્રોત્સાહન અપાશે અને આપણા બાળકો તથા યુવાઓને શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ કરાવાશે.
240 મિલિયન પાઉન્ડની ગેટ બ્રિટન વર્કિંગ અગેઇન યોજનાની જાહેરાત કરતાં કેન્ડાલે દાવો કર્યો હતો કે આ પેઢીનો સૌથી મોટો રોજગાર સુધારો છે. જેમાં બેરોજગાર યુવાઓને એપ્રિન્ટિસશિપ અને અન્ય તાલીમ માટેની ફરજ પડાશે. માનસિક બીમારીઓનો સામનો કરી રહેલા યુવાઓને સપોર્ટ કરવા 8500 નવા કર્મચારી નિયુક્ત કરાશે. માનસિક બીમારીઓની સારવારના વેઇચિંગ લિસ્ટને ઘટાડવા 2029 સુધીમાં પ્રતિ વર્ષ 1,40,000 કરતાં વધુ દર્દીઓને મદદ કરાશે.
સરકારે જણાવ્યું છે કે તે જરીપુરાણી જોબ સેન્ટરસિસ્ટમમાં સુધારો કરી નવી રાષ્ટ્રીય જોબ એન્ડ કેરિયર સર્વિસની શરૂઆત કરશે. આ સેવા ફક્ત બેનિફિટ્સ મેનેજ કરવાના બદલે બેરોજગારોની સ્કીલ અને કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશે. મેયરો અને કાઉન્સિલોને સ્થાનિક સ્તરે નોકરીઓ વધારવા, હેલ્થ અને સ્કીલ સપોર્ટ આપવા નવી સત્તાઓ અપાશે.
બેરોજગાર બ્રિટન
- 1.15 મિલિયન કામ કરી શકે તેવા લોકો બેરોજગાર તરીકે નોંધાયેલા છે
- 9 મિલિયન કરતાં વધુ લોકો આર્થિક રીતે નિષ્ક્રિય, કોઇ કામધંધો કરતા નથી
- 2.8 મિલિયન લોકો લાંબા ગાળાની બીમારીથી પીડાઇ રહ્યાં છે
- દર 8માંથી એક યુવા કોઇ પ્રકારનો અભ્યાસ, કામ કે તાલીમ સાથે સંકળાયેલો નથી
- આધુનિક નોકરી માટેની જરૂરી તાલીમનો 9 મિલિયન પુખ્તોમાં અભાવ

