લંડનઃ યુકે સરકારે ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ના આગામી અધ્યક્ષ તરીકે પૂર્વ લિબરલ ડેમોક્રેટ ઉમરાવ બેરોનેસ કિશ્વર ફોકનર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ઈક્વિલિટિઝ એન્ડ વુમન બાબતોના મિનિસ્ટર લિઝ ટ્રસે આ જાહેરાત કરી છે. બેરોનેસ કિશ્વર ફોકનર હાઉસ ઓફ લોર્ડ્સમાં હાલ ક્રોસબેન્ચર તરીકે બેસે છે.
ડેવિડ ઈસાક્સે ચાર વર્ષ EHCRના અધ્યક્ષપદે રહ્યા પછી ઓગસ્ટમાં પદત્યાગ કર્યો હતો અને કેરોલીન વોટર્સ કાર્યકારી અધ્યક્ષની કામગીરી સંભાળી રહ્યાં છે. ઈક્વિલિટિઝ વોચડોગના નવા અધ્યક્ષ તરીકે બેરોનેસ કિશ્વર ફોકનરની નિમણૂક આગામી મહિને પાર્લામેન્ટમાં વુમન એન્ડ ઈક્વિલિટિઝ સિલેક્ટ કમિટી અને જોઈન્ટ કમિટી ઓન હ્યુમન રાઈટ્સ સમક્ષ ચકાસણી સુનાવણીને આધીન રહેશે.
મિનિસ્ટર લિઝ ટ્રસે જણાવ્યું હતું કે,‘બેરોનેસ ફોકનરનો અનુભવ અને સમાનતા તરફની પ્રતિબદ્ધતાથી તેઓ EHRCના મહત્ત્વપૂર્ણ કાર્યોને આગળ ધપાવવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર બને છે. દેશના તમામ ખૂણે તક મેળવવા સમાન પહોંચ રહે તેવા સરકારના એજન્ડાને પરિપૂર્ણ કરવા હું તેમની સાથે કામ કરવાં આતુર છું.’
બેરોનેસ ફોકનરે હાઉસ ઓફ કોમન્સમાં લિબ ડેમ માટે કામગીરી ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બાબતોમાં પાર્ટીના ડાયરેક્ટરની ફરજ પણ બજાવી છે. તેઓ જૂન ૨૦૦૪થી જોડાયાં હતાં અને જુલાઈ ૨૦૧૯ સુધી હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબ ડેમના પ્રતિનિધિ રહ્યાં પછી ક્રોસબેન્ચર છે. તેઓ ૨૦૦૪-૨૦૧૦ના ગાળામાં માનવાધિકારની જોઈન્ટ કમિટીના સભ્ય હતાં.