બેરોનેસ ડિડો હાર્ડિંગ NIHPના વચગાળાનાં વડા તરીકે નિયુક્ત

Wednesday 19th August 2020 06:14 EDT
 
 

લંડનઃ વિવાદાસ્પદ એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) ને નાબૂદ કરવામાં આવી રહી છે ત્યારે તેના સ્થાને કાર્યરત થનારી નવી સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ પ્રોટેક્શન (NIHP) ના વચગાળાના વડા તરીકે સરકારના કોરોના વાઈરસ ટેસ્ટ એન્ડ ટ્રેસના વડા, કન્ઝર્વેટિવ પીઅર અને ટોકટોકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ડિડો હાર્ડિંગની પસંદગી કરવામાં આવી છે.
પરંતુ, વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે મહત્ત્વની કોરોના વાઈરસ ટ્રેકિંગ યોજનાને આગળ ધપાવવામાં સરકારના અપેક્ષા કરતાં નબળા દેખાવ અને તેના સંચાલને આ નિમણુંક વિશે શંકા ઉભી કરી છે. પબ્લિક હેલ્થ નિષ્ણાતોએ તેના સમય વિશે પણ પ્રશ્ર ઉઠાવ્યો હતો.
સંસાધનોના અભાવને લીધે માર્ચમાં સામૂહિક કોરોના વાઈરસ ટેસ્ટિંગથી દૂર રહેવાના નિર્ણયની કડક ચકાસણી હેઠળ આવેલ PHE હાલ પૂરતું ઓબેસિટીના સામના માટે અને અન્ય બીમારીઓને અટકાવવાની કામગીરી ચાલુ રાખશે.
પરંતુ, લિબરલ ડેમોક્રેટ હેલ્થ પ્રવક્તા મુનીરા વિલ્સને જણાવ્યું હતું કે હાર્ડિંગના ટ્રેકરેકર્ડને જોતાં તેમને NHSમાં મહત્ત્વની કામગીરી સોંપાશે તે જાણીને ઘણાં લોકોની ચિંતા વધી જશે. લેબરના શેડો હેલ્થ મિનિસ્ટર જસ્ટિન મેડર્સે જણાવ્યું હતું કે બેરોનેસ હાર્ડિંગની નિમણુંકમાં કોઈ પારદર્શિતા કે વિશ્વસનીયતા નથી.
વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અકલ્પનીય મહામારી સામે આપણી પ્રતિક્રિયામાં PHEએ રક્ષણ, સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ એન્ડ ટેસ્ટીંગ જેવા મહત્ત્વના મુદ્દા પર કાર્ય કર્યું છે.પ્રવક્તાએ ઉમેર્યું હતું કે સરકારી માળખું ભવિષ્યમાં પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બને તે સુનિશ્ચિત કરવા માટે આપણે કટોકટીમાંથી યોગ્ય બોધપાઠ લઈએ તે મહત્ત્વનું છે.
આ અગાઉ સંસ્થાની ટીકા ગેરસમજ પર આધારિત હોવાનું જણાવીને PHEના ચીફ એક્ઝિક્યુટિવ ડંકન સેલ્બીએ ઉમેર્યું હતું કે મહામારીની શરૂઆતમાં NHSને બાદ કરતાં યુકેમાં કોઈ નેશનલ ડાયગ્નોસ્ટિક સુવિધા ન હતી.
  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter