બેરોનેસ સંદીપ વર્મા સામે યુગાન્ડા ડીલમાં પારદર્શિતાના ભંગનો આરોપ

Saturday 12th September 2020 14:22 EDT
 
 

લંડનઃ ૬૧ વર્ષીય કન્ઝર્વેટિવ બેરોનેસ સંદીપ વર્મા પર તેમની પારિવારિક કંપની નેક્સસ ગ્રીન દ્વારા યુગાન્ડાની સરકારને સોલાર પાવરના ઉપકરણો પૂરા પાડવા ૮૮ મિલિયન પાઉન્ડની બે ડીલ પછી મિનિસ્ટરીયલ કોડનો ભંગ કરવાનો આરોપ મૂકાયો હતો. તેમની કંપનીએ ફેબ્રુઆરી ૨૦૧૭માં યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની સાથેની બેઠકો પછી બે સોદા કર્યા હતા. સમજૂતી મુજબ કંપનીને ૮૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમની યુકે એક્સપોર્ટ ફાઈનાન્સ દ્વારા લોન અપાશે.

‘ધ ગાર્ડિયન’ના અહેવાલ મુજબ તેમણે એડવાઈઝરી કમિટી ઓન બિઝનેસ એપોઈન્ટમેન્ટ્સ (Acoba)ને જાણ કર્યા વિના આ કંપનીમાં ચેર અને ડિરેક્ટર તરીકે જોડાઈને મિનિસ્ટર્સ સંબંધિત આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનું મનાય છે. જુનિયર ડેવલપમેન્ટ મિનિસ્ટર તરીકેનો હોદ્દો છોડ્યો તેના આઠ મહિના પછી આ ડીલ પર હસ્તાક્ષર થયા તે સમયે તેઓ ત્યાં હાજર હતા. પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મિનિસ્ટરોએ હોદ્દો છોડ્યાના બે વર્ષ સુધી પોતાની તમામ કામગીરી અને પદની માહિતી જાહેર કરવાની હોય છે. આ ડીલથી આફ્રિકન સોલાર માર્કેટના અન્ય સપ્લાયરોને પણ આશ્ચર્ય થયું હતું.

આ કંપનીમાં વર્મા અને તેમના પુત્ર રિક્કી માત્ર બે જ ડિરેક્ટર છે. તેમને આ ઉદ્યોગનો અગાઉનો કોઈ અનુભવ નથી અને કંપનીની વેબસાઈટ પણ નથી. સપ્ટેમ્બર ૨૦૧૫માં તેઓ યુગાન્ડા સરકારના અધિકારીઓને મળ્યા હતા. તે પછીના મહિને રિક્કી નેક્સસ ગ્રીનમાં ડિરેક્ટર બન્યો હતો. તેના પેરન્ટ્સની સંયુક્ત માલિકીની આ કંપની લેસ્ટરમાં આવેલી છે. ગયા સપ્ટેમ્બરમાં યુગાન્ડા સરકારે સોલાર ઉપકરણોના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપવા માટે પણ સમજૂતી કરી હતી.

શેડો ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીત કૌર ગિલે આ મામલે તપાસ માટે બોરિસ જહોન્સનને અનુરોધ કરતા કહ્યું કે મિનિસ્ટરનો હોદ્દો છોડ્યા પછી કોઈ નિમણૂક સ્વીકારવા વિશે દિશાનિર્દેશ ખૂબ સ્પષ્ટ છે.

સંદીપ વર્માને ૨૦૦૬માં લાઈફ પીઅર બનાવાયા હતા. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ ક્લાઈમેટ ચેન્જમાં ૨૦૧૨ થી૨૦૧૫ અને મે ૨૦૧૫ થી જુલાઈ ૨૦૧૬ સુધી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ જુનિયર મિનિસ્ટરની કામગીરી સંભાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter