બેલ્જિયમ, એન્ડોરા, સ્પેન સહિતના દેશો ૧૪ દિવસના ક્વોરેન્ટાઈન લિસ્ટમાં

Monday 10th August 2020 14:21 EDT
 

લંડનઃ બ્રિટનમાં સમર વેકેશન ગાળવા વિદેશ જવાની તૈયારીઓ પર કોરોના વાઈરસના બીજા આક્રમણે બ્રેક લગાવી છે. યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ સહિતના દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો જણાતા બ્રિટને કેટલાક દેશોને ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈન મુક્તિની યાદીમાંથી બહાર મૂકી દીધા છે. બોરિસ સરકારે શુક્રવારથી બેલ્જિયમ, બહામાસ અને એન્ડોરાને એર બ્રીજ યાદીમાંથી બાકાત કર્યા છે અને ટુંક સમયમાં ફ્રાન્સનો પણ તેમાં સમાવેશ થવાની શક્યતા છે. અગાઉ, સરકારે સ્પેન અને લક્ઝમબર્ગને યાદીમાંથી દૂર કર્યા હતા. જોકે, મલેશિયા અને બ્રુનેઈને સલામત દેશો તરીકે મૂકાયા છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે સરકારે શુક્રવારથી બેલ્જિયમ, બહામાસ અને એન્ડોરાને એર બ્રીજ (ક્વોરેન્ટાઈન ફ્રી) યાદીમાંથી બાકાત કરવાની જાહેરાત કરી છે. હજારો બ્રિટિશરો વિદેશ પ્રવાસ કર્યા પછી ફરજિયાત ૧૪ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તે ભયથી પ્રવાસ રદ કરી રહ્યા હોવાનું મનાય છે. ફ્રાન્સમાં રોજબરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે આગામી સપ્તાહથી ફ્રાન્સનો પણ ફોરેન ઓફિસના ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન લિસ્ટમાં સમાવેશ કરી દેવાશે તેમ ટ્રાવેલ નિષ્ણાતો માની રહ્યા છે. ફ્રાન્સમાં હાલ હજારો બ્રિટિશ પર્યટકો રજાઓ ગાળવા પહોંચ્યા છે. આ સ્થિતિમાં તેમને સમયસર ચેતવણી આપવી જરુરી છે.

બેલ્જિયમમાં તાજેતરના સપ્તાહોમાં કોરોના કેસીસમાં સતત વધારો થયો છે. પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૨૭.૮ સંક્રમિત કેસ આવે છે. યુકેનો દર પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૮.૪ તેમજ સ્પેનમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૨૭.૪ સંક્રમિત કેસનો દર છે. બેલ્જિયમમાં નવા રાષ્ટ્રીય લોકડાઉનને ટાળવા માટે નવા કડક સોશિયલ ડિસ્ટન્સિંગ પગલા લાદવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter