લંડનઃ હેરોઈન જેવા નશીલા ડ્રગના બંધાણી બની ચૂકેલા જેમ્સ બોવનને તેની લત છોડાવવામાં મદદરૂપ થવાની સાથે તેને બેસ્ટસેલર સાબિત થયેલા પુસ્તકોની શ્રેણી લખવાની પ્રેરણા આપનાર બિલાડો ‘બોબ’ ૧૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો છે. તેના પરથી ફિલ્મ પણ બની છે. લંડનની ગલીઓમાં રખડતા આ બિલાડાને તેની જિંદગીમાં આવેલો નાટકીય વળાંક છેક રેડ કાર્પેટ સુધી લઈ ગયો હતો.
જેમ્સ બોવેન વર્ષ ૨૦૦૭માં ડ્રગની લતમાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યો હતો. આ અરસામાં તેને લંડનના રસ્તા પરથી ‘બોબ’ મળી આવ્યો હતો. તેને કોઈ ત્યજી દીધો હતો અને તેને ઈજા પણ થઈ હતી. બસ તે જ દિવસથી બોબ અને જેમ્સની જોડી એવી તો જામી ગઈ કે બંનેના નસીબ આડેથી પાંદડુ ખસી ગયું.
બોવેન અને ‘બોબ’ એકસાથે જ રહેવા લાગ્યા. રસ્તા પર ગિટાર વગાડતાં જેમ્સ બોવેનની સાથે જોવા મળતાં બિલાડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને તેમની દોસ્તીના કિસ્સાને અનેક સ્થાનિક અખબારોમાં સ્થાન મળ્યું હતું. આ પછી બોવનને એક કંપનીએ તેમની દોસ્તી અને સંઘર્ષ પર પુસ્તક લખવાની ઓફર કરી અને ૨૦૧૨માં ‘અ સ્ટ્રીટ કેટ નેઈમ્ડ બોબ’ વર્ષ ૨૦૧૨માં પ્રકાશિત થયું અને જોતજોતામાં તો બ્રિટનના બેસ્ટસેલર પુસ્તકોમાં સામેલ થઈ ગયું.
આ પછી તો બોબ પરના પુસ્તકોની સિરીઝ ચાલી. ‘અ વર્લ્ડ એકોર્ડિંગ ટુ બોબ’, ‘અ ગિફ્ટ ફ્રોમ બોબ’, ‘અ લિટલ બુક ઓફ બોબ’ જેવા ચાર પુસ્તકોની જુદી જુદી ૪૦ ભાષાઓમાં ૮૦ લાખ કોપીઓ વેચાઈ ચૂકી છે. આ બિલાડાની જીવનયાત્રા પર ‘અ સ્ટ્રીટ કેટ નેઈમ્ડ બોબ’ ફિલ્મ પણ રિલીઝ થઈ ચૂકી છે. અને ‘અ ગિફ્ટ ફ્રોમ બોબ’ નામની ફિલ્મ હવે રજૂ થવાની છે. તે પહેલાં જ બોબનું મૃત્યુ થયું હતું. જેમ્બ બોવેન કહે છે કે ‘બોબ’એ મારી જિંદગી બચાવી છે. ઉલ્લેખનીય છે કે ‘બોબ’ પરની ફિલ્મના પ્રીમિયર શોમાં બ્રિટનના પ્રિન્સ વિલિયમના પત્ની કેથરિન પણ ઉપસ્થિત રહ્યા હતા.