લંડનઃ સાઉથ લંડનના ઓફિસ બ્લોકમાંથી બે ઠગ દ્વારા ચાલતા બોગસ બાઉન્સ બેક લોન કૌભાંડનો ડેઈલી મેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝોહૈબ બટ્ટ અને ઈમરાનખાન નામના આ બે ઠગોએ હજારો પાઉન્ડની બોગસ લોનો તેમના ગ્રાહકોને અપાવી હતી. ડેઈલી મેલના અંડરકવર ઈન્વેસ્ટિગેશનમાં જણાયું કે આ બિઝનેસ કન્સલ્ટન્ટ્સ તેમના દરેક ગ્રાહકને ૫૦,૦૦૦ પાઉન્ડની બાઉન્સ બેક લોન ખોટી રીતે અપાવવામાં મદદ કરતા હતા.
કોરોના મહામારીની શરૂઆતથી અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા બિઝનેસીસને મદદ કરવા બેંકોને પ્રોત્સાહિત કરતી સરકારની લોન યોજનાનો આ કૌભાંડીઓ લાભ ઉઠાવી રહ્યા છે.
ચાન્સેલર રિશિ સુનાકે આ યોજના માટે ૪૮ મિલિયન પાઉન્ડની જોગવાઈ કરી છે અને યોજનાને આગામી જાન્યુઆરીના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ લોન મેળવવા માટે ૧.૨ મિલિયન કરતાં વધુ કંપનીઓએ અરજી કરી હતી. આ યોજનામાં નાણાંકીય મુશ્કેલી ભોગવી રહેલા બિઝનેસીસને સરકારના સમર્થનથી ૫૦,૦૦૦ પાઉન્ડની બાઉન્સ બેક લોન અપાય છે. તેના માટે ટેક્સ રિટર્ન મુજબ તેમનું ટર્નઓવર ૨૦૦,૦૦૦ પાઉન્ડ હોય તે જરૂરી છે. બિઝનેસમેનના સ્વાંગમાં ગયેલા રિપોર્ટરોને આ ઠગોએ બનાવટી ટેક્સ રિટર્ન બનાવી આપવાની ઓફર કરી હતી જેથી તેઓ લોન મેળવવા માટે અરજી કરી શકે.
તેમણે લોનની પ્રોસેસ થઈ શકે તે માટે આ ખોટા એકાઉન્ટ્સ HMRCને સુપરત કરવા રોકડા ૬,૦૦૦ પાઉન્ડ માગ્યા હતા. ઠગોએ બોગસ રિટર્ન પર દર્શાવેલા આંકડા મુજબ ટેક્સ ભરવાનો ન થાય તે માટે લોન મળી જાય તે પછી તરત જ પેપરવર્ક કઢાવી નાંખવાનું વચન આપ્યું હતું.
તેમણે જે ગ્રાહકોનો બિઝનેસ ન હોય તેમને શેલ કંપની અને લોન મેળવવા માટે બોગસ બેંક ખાતા ખોલાવી આપવાની અલગ સર્વિસની પણ ઓફર કરી હતી.
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસના પરમેનન્ટ સેક્રેટરી સારા મુન્બીએ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું કે આ યોજનામાં છેતરપિંડી થઈ શકે તે બાબત મિનિસ્ટરો જાણે છે. બિઝનેસમાલિકોને ઝડપથી ફંડ મળે તે માટે બેંકોને પ્રોત્સાહિત કરવા સરકાર લોન માટે ગેરન્ટી પણ આપે છે. આ લોનો પૈકી ૬૦ ટકા જેટલી લોન ક્યારેય ભરપાઈ નહીં થાય અથવા તે લોન ઠગો પાસે જતી હોવાની તેમણે ચેતવણી આપી હતી. તેને લીધે ટેક્સપેયરોના ૨૬ બિલિયન પાઉન્ડ સુધી ખર્ચાશે તેવી સ્પેન્ડીંગ વોચડોગે ચેતવણી આપી હતી.