લંડનઃ દેશમાં સૌથી સીનિયર પ્રોસિક્યુટિંગ બેરિસ્ટર્સમાં સ્થાન ધરાવતાં ૪૯ વર્ષીય બોબી ચીમા-ગ્રુબ QC બ્રિટનમાં હાઈ કોર્ટમાં સર્વ પ્રથમ એશિયન મહિલા જજ બન્યાં છે. ૫૪ વર્ષીય વર્તમાન સર્કિટ જજ જુલિયટ મેરી મે QC પણ હાઈ કોર્ટમાં નિયુક્ત કરાયા છે. આ બે મહિલા જજ સાથે હાઈ કોર્ટના કુલ ૧૦૮ જજમાં મહિલા જજની સંખ્યા ૨૩ની થશે. એક દાયકા અગાઉ મહિલા જજની સંખ્યા માત્ર ૧૦ હતી.
ત્રણ સંતાનની માતા બોબી ચીમા હાલ સીનિયર ટ્રેઝરી કાઉન્સેલ તરીકે કામ કરે છે. તેઓ ૨૩ નવેમ્બરથી બેદરકારી, ડેફેમેશન, પર્સનલ ઈન્જરી અને ભૂમિવિવાદનું ક્ષેત્ર ધરાવતા ક્વીન્સ બેન્ચ ડિવિઝનમાં નવા હોદ્દા પર કાર્યરત થશે. તેઓ નિવૃત્ત થઈ રહેલા જસ્ટિસ કેનેથ પાર્કરનું સ્થાન સંભાળશે. ચીમા-ગ્રુબને ૧૯૮૯માં બારમાં સ્થાન મળ્યું હતું અને ૨૦૦૭માં રેકોર્ડર તરીકે નિયુક્તિ મળી હતી અને તેઓ ડેપ્યુટી હાઈ કોર્ટ જજ તરીકે બેસવાની બહાલી ધરાવે છે.
ચીમા-ગ્રુબે ૨૦૧૪માં જજ કોન્સ્ટન્સ બ્રિસ્કો સામે કાનૂની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. જજ બ્રિસ્કો ન્યાયાલયને ગેરમાર્ગે દોરવામાં દોષિત ઠર્યા હતા અને તેમને ૧૬ મહિનાની જેલની સજા થઈ હતી. તેમણે નિવૃત્ત બિશપ પીટર બોલ સામે પણ પ્રોસિક્યૂટરની કામગીરી બજાવી હતી. પાદરી બનવાની મહેચ્છા ધરાવતા લોકોનું જાતીય શોષણ કરવાના કેસમાં બિશપને ૩૨ મહિના જેલની સજા થઈ હતી.