લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ૩૨ વર્ષીય મંગેતર કેરી સાયમોન્ડ્સનાં ઘેર પારણું બંધાયું છે. કેરીએ ૨૯ એપ્રિલે લંડનની હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. વડા પ્રધાન બાળકના જન્મ સમયે ફીઆન્સી કેરીની સાથે જ રહ્યા હોવાનું કહેવાય છે. આ બાળકનો જન્મ વહેલો થયો છે કારણકે ઉનાળાની શરુઆતમાં બાળજન્મ થશે તેમ કહેવાયું હતું. વડા પ્રધાન હાલમાં જ કોરોના વાઈરસ સામે ગંભીર જંગ પછી ફરીથી કામે વળગ્યા છે. બોરિસ અને કેરી સપ્તાહો સુધી અલગ એકાંતવાસમાં હોવાથી ગત સપ્તાહે જ સાથે રહેવા લાગ્યા હતા. ક્વીન તેમજ રાજકીય નેતાઓએ બાળક અને પેરન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા. કેરીનું આ પ્રથમ અને જ્હોન્સનનું આ સત્તાવાર છઠ્ઠું સંતાન છે. વડા પ્રધાન તેમની બે સપ્તાહની પેટરનિટી લીવ વર્ષના અંત ભાગમાં લે તેવી શક્યતા છે.
વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન બાળકના જન્મ માટે સવારે મિસ સાયમન્ડ્સ સાથે હતા અને બાળકના જન્મ પછી ઓફિસમાં કામે વળગી ગયા છે. વડા પ્રધાને માર્ચમાં જાહેર કર્યું હતું કે તેમને ત્યાં બાળકનો જન્મ થશે ત્યારે બે સપ્તાહની પેટરનિટી લીવ લેશે. વડા પ્રધાનના બાળકના કારણે લોકડાઉન તેમજ તેને હળવા કરવા વિશે મહત્ત્વના નિર્ણયોમાં વિલંબ થશે તેવી ચિંતા પણ થઈ રહી છે ત્યારે, ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાઈરસ કટોકટી પર અંકુશ મેળવવા તેઓ પખવાડિયાની રજા વર્ષના અંત સુધી મુલતવી રાખશે. ઉલ્લેખનીય છે કે જ્હોન્સન કોરોનાના ચેપથી હોસ્પિટલમાં દાખલ કરાયા અને તે પછી બે સપ્તાહ ચેકર્સ ખાતે આરામમાં હતા ત્યારે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો હતો અને તેમના વતી ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે હંગામી ચાર્જ સંભાળ્યો હતો.
બાળકનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સન
બોરિસ જ્હોન્સન અને મંગેતર કેરી સાયમોન્ડ્સનાં પ્રથમ બાળકનું નામકરણ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સન તરીકે કરાયું છે. આ નામમાં બાળકના બે ગ્રાન્ડફાધર તેમજ કોરોનાગ્રસ્ત જ્હોન્સનની હોસ્પિટલમાં સારવાર કરનારા બે ડોક્ટરના નામને વણી લેવાયા છે. વડા પ્રધાનના ગ્રાન્ડફાધરનું નામ વિલ્ફ્રેડ જ્હોન્સન હતું જ્યારે કેરી સાયમન્ડ્સના દાદાનું નામ લોરી હતું. બાળકના જન્મ પછી કેરીએ સ્ટાફનો આભાર મ૪નવા સાથે પોતાની બાળક સાથેની તસવીર જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રનું અન્ય મિડલ નેઈમ નિકોલસ છે જે, ગત મહિને કોરોનાગ્રસ્ત બોરિસ જ્હોન્સનનો જાન બચાવનારા બે ડોક્ટર્સ – ડો. નિક પ્રાઈસ અને ડો. નિક હાર્ટ પ્રત્યે આદર દર્શાવવા સાથે સંકળાયેલું છે. ડો. નિક પ્રાઈસ અને ડો. નિક હાર્ટે આ ગૌરવ આપવા બદલ વિનમ્રતા સાથે વડા પ્રધાન અને મિસ સાયમન્ડ્સને અભિનંદન પાઠવ્યા હતા.
બોરિસ જ્હોન્સનનું છઠ્ઠું સંતાન
વડા પ્રધાને તેમની પત્ની મરીના વ્હીલર સાથે ડાઈવોર્સ લીધા પછી ૨૯ ફેબ્રુઆરીએ કેરી સાથે સગાઈ અને બાળકના આગમન થવા વિશે જાહેરાત કરી હતી. કેરી સાથે જ્હોન્સનનું આ પ્રથમ સંતાન છે પરંતુ, મરીના વ્હીલર થકી તેમને લારા લેટ્ટિસ (૨૬), મિલો આર્થર (૨૪), કેસિઆ પીચીસ (૨૨) અને થીઓડોર એપોલો (૨૦) એમ ચાર બાળકો છે. આર્ટ કન્સલ્ટન્ટ હેલન મેસિન્ટાયર સાથે પ્રેમપ્રકરણથી ૧૧ વર્ષીય સ્ટેફાની મેસિન્ટાયર નામે પાંચમું સંતાન પણ છે. અગાઉના અહેવાલ મુજબ કેરી ઘરમાં જ બાળકને જન્મ આપવા માગતી હતી પરંતુ, કોરોના વાઈરસના કારણે NHS દ્વારા આ બંધ રખાયું હતું.
સત્તાસ્થાને બાળકના પિતા બનનારા ચોથા વડા પ્રધાન
બોરિસ જ્હોન્સન સત્તાસ્થાને હોવા સાથે બાળકના પિતા બનનારા ગત ૧૭૦ વર્ષમાં ચોથા વડા પ્રધાન બન્યા છે. અગાઉ, ૨૦૧૦માં ડેવિડ કેમરન, ૨૦૦૦માં ટોની બ્લેર તેમજ છેક ૧૮૪૮ અને ૧૮૪૯માં લોર્ડ જ્હોન રસેલ બાળકોના પિતા બન્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે અંગત સંદેશો પાઠવી વડા પ્રધાન જ્હોન્સનને બાળજન્મના અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક, ચાન્સેલર રિશિ સુનાક, પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ, લેબરનેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકારણીઓ અને જ્હોન્સનના પિતા સ્ટેનલી જ્હોન્સને બાળકના આગમનને વધાવી લીધું હતું.