લંડનઃ બોરિસ જહોન્સન સરકારના કેબિનેટ રીશફલિંગમાં ચાન્સેલર સાજિદે જાવિદે પોતાના સહાયકોની હકાલપટ્ટીના મુદ્દે રાજીનામું આપી દીધા પછી તેમના ડેપ્યુટી અને ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી રિશિ સુનાકને ચાન્સેલર તરીકે નિયુક્ત કરાયા હતા. સરકારના મોટા ભાગના વરિષ્ઠ સભ્યો પ્રીતિ પટેલ, ડોમિનિક રાબ, માઈકલ ગોવ, રોબર્ટ બકલેન્ડ, જેકોબ રીસ-મોગ, મેટ હેનકોક, લિઝ ટ્રસ, થેરીસ કોફી, ગેવિન વિલિયમસન, રોબર્ટ જેનરિક, ગ્રાન્ટ શાપ્સ, બેન વોલેસે પોતાના વર્તમાન હોદ્દા જાળવી રાખ્યાં છે. યુકે ૩૧ જાન્યુઆરીએ ઈયુમાંથી બહાર નીકળ્યા પછી બ્રેક્ઝિટ સેક્રેટરીનો હોદ્દો નાબૂદ થતાં સ્ટીફન બાર્કલેને ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી બનાવાયા છે.
વડા પ્રધાને જુનિયર ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેન અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમાં શિપિંગ વિભાગ સંભાળતા નુસરત ઘનીની પણ હકાલપટ્ટી કરી છે. આ ઉપરાંત,બિઝનેસ સેક્રેટરી આન્દ્રેઆ લીડસોમ, હાઉસિંગ મિનિસ્ટર એસ્થર મેક્વે અને એન્વિરોનમેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સ, નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી જુલિયન સ્મિથ, એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સની પણ હકાલપટ્ટી કરાઈ છે જ્યારે કલ્ચરલ સેક્રેટરી નિકી મોર્ગન ખુદ બહાર નીકળી ગયાં છે.
કમિંગ્સ સાથે વિવાદના પગલે જાવિદનું રાજીનામું
એમ કહેવાય છે કે વડા પ્રધાનના પ્રેસ સેક્રેટરી અને સલાહકાર ડોમિનિક કમિંગ્સ સાથે વિવાદના કારણે દેશના બજેટને રજૂ કરવાનો એક જ મહિનો બાકી છે ત્યારે માત્ર ૨૦૪ દિવસની કામગીરી પછી ચાન્સેલર સાજિદ જાવિદે પોતાનો મહત્ત્વનો હોદ્દો ગુમાવવો પડ્યો છે. કમિંગ્સે ગયા વર્ષે ચાન્સેલર જાવિદની સલાહ અને સંમતિ વિના જ તેમના સેક્રેટરી સોનિયા ખાનને નોકરીમાંથી રુખસદ આપ્યા પછી બંને વચ્ચે તણાવ વધ્યો હતો. વડા પ્રધાને રીશફલમાં જાવિદને તેમની સહાયકોની ટીમને દૂર કરવા આદેશ આપ્યો હતો પરંતુ, કોઈ સ્વમાની મિનિસ્ટર આવી શરત સ્વીકારી શકે નહિ તેમ જણાવી જાવિદે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
ગત નવેમ્બરમાં જ વડા પ્રધાને સ્પષ્ટ ખાતરી આપી હતી કે નોંધપાત્ર કામ કરતા જાવિદ તેમનો હોદ્દો જાળવી રાખશે પરંતુ, કમિંગ્સની દલીલ હતી કે ઓર્થોડોક્સ વિચારો ધરાવતા જાવિદ અને તેમના સહાયકો અર્થતંત્રને સમતોલ બનાવવાના વચનો પૂર્ણ કરી શકશે નહિ. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નરની નિયુક્તિ મુદ્દે પણ જાવિદ અને કમિંગ્સ ટકરાયા હતા. કમિંગ્સ બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ એન્ડી હાલ્ડેનને બઢતી આપવા માગતા હતા પરંતુ, જાવિદે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)ના વડા અને બેન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન્ડ્રયુ બેઈલીને આ સ્થાને ગોઠવવામાં બાજી મારી લીધી હતી.
નવી કેબિનેટમાં મહિલાઓનું મહત્ત્વ ઘટ્યું
બોરિસ જ્હોન્સનની નવી કેબિનેટમાં મહિલાઓનું મહત્ત્વ ઘટ્યું છે. વડા પ્રધાને ચાર વરિષ્ઠ મહિલા મિનિસ્ટરને રુખસદ આપી તેમના બદલે ચાર મહિલાને પ્રતિનિધિત્વ તો આપ્યું છે પરંતુ, તેમાંથી ત્રણને જુનિયર ભૂમિકા અપાઈ છે. કેબિનેટમાંથી બિઝનેસ સેક્રેટરી આન્દ્રેઆ લીડસોમ, હાઉસિંગ મિનિસ્ટર એસ્થર મેક્વે અને એન્વિરોનમેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સની હકાલપટ્ટી કરાઈ છે જ્યારે કલ્ચરલ સેક્રેટરી નિકી મોર્ગન ખુદ બહાર નીકળી ગયાં છે. વડા પ્રધાને એન-મેરી ટ્રેવલીનને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી, પેન્ની મોર્ડાઉન્ટને પેમાસ્ટર જનરલ, અમાન્ડા મિલિંગને મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલીઓ અને સુએલા બ્રેવરમાનને એટર્ની જનરલની ભૂમિકા સોંપી છે. હવે કેબિનેટમાં હોમ સેક્રેટરી તરીકે પ્રીતિ પટેલ સૌથી મહત્ત્વપૂર્ણ મહિલા રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમાં શિપિંગ વિભાગ સંભાળતા નુસરત ઘનીને પણ હોદ્દા પરથી ફારેગ કરાયાં છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને થોડા દિવસ અગાઉ જ ૧૦૦ બિલિયન પાઉન્ડના હાઈ સ્પીડ-૨ (HS2) રેલ પ્રોજેક્ટને બહાલી આપી ત્યારે ઈસ્ટ સસેક્સમાં વીલાડેનના ટોરી સાંસદ નુસરત ઘની આ પ્રોજેક્ટ માટે નવા મિનિસ્ટર બનાવાય તેવી ધારણા હતી.
આલોક શર્માને બેવડી ભૂમિકા સોંપાઈ
કેબિનેટ ફેરબદલમાં મૂળ ભારતીય અને પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી આલોક શર્માને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજીની કામગીરી સોંપાઈ છે. તેઓ આન્દ્રેઆ લીડસોમનું સ્થાન સંભાળશે. આ ઉપરાંત, તેઓ આગામી નવેમ્બરમાં યુકેમાં આયોજિત યુએન ક્લાઈમેટ વાટાઘાટો (Cop26)માં પ્રમુખની ભૂમિકા પણ સંભાળશે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન અને પૂર્વ ફોરેન સેક્રેટરી વિલિયમ હેગે આ કામગીરી સંભાળવા ઈનકાર કરી દીધા પછી શર્માનું મહત્ત્વ વધી જાય છે. આ કામગીરી માટે માઈકલ ગોવ, ક્લીન એનર્જી મિનિસ્ટર ક્વાસી ક્વાર્ટેન્ગ અને પર્યાવરણવાદી ઝેક ગોલ્ડસ્મિથ સહિતના નામો પણ ચર્ચામાં હતા. બોરિસ જ્હોન્સનના ચુસ્ત સમર્થક આલોક શર્મા ૨૦૧૦માં રીડિંગ વેસ્ટ બેઠક પરથી કોમન્સમાં ચૂંટાયા હતા. શર્માએ ૨૦૧૨થી ૨૦૧૫ના ગાળામાં કન્ઝર્વેટિવ પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી બજાવી અને જુલાઈ ૨૦૧૬થી મિનિસ્ટર તરીકે કારકીર્દિની શરુઆત કરી હતી. થેરેસા મે સરકારમાં ભારત માટે વડા પ્રધાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર દૂત તેમજ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં પણ તેમણે કામગીરી બજાવી હતી. હાઉસિંગ મિનિસ્ટર રહેલા શર્માને જ્હોન્સને સત્તા સંભાળ્યા પછી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે બઢતી મળી હતી.
બજેટ ૧૧ માર્ચે રજૂ નહિ કરાય?
નવા ચાન્સેલર રિશિ સુનાક ૧૧ માર્ચે બજેટ રજૂ કરવાના બદલે તેનાથી સારી રીતે પરિચિત થવા અને તૈયારી માટે થોડો સમય માગી લે તેવી શક્યતા છે. કેબિનેટ ફેરબદલમાં ચાન્સેલર સાજિદ જાવિદે રાજીનામું આપ્યા પછી તેમના સ્થાને સુનાકની નિયુક્તિ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે બજેટ તેની ૧૧ માર્ચની નિયત તારીકે રજૂ કરાશે કે નહિ તેના વિશે મિનિસ્ટર્સને કોઈ માહિતી અપાઈ નથી. તેમણે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે નવા ચાન્સેલર તેમની નિશ્ચિત બજેટ સ્પીટ આપે તે પહેલા તેમને સમય જોઈએ તે શક્ય છે. શાપ્સે બીબીસીના એન્ડ્રયુ માર શોમાં પણ જણાવ્યું હતું કે સુનાકે હોદ્દો સંભાળ્યાને થોડા જ દિવસ થયા છે, તારીખ નિશ્ચિત કરવા તેમને સમય મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે જ્હોન્સન અને તેમના સલાહકાર કમિંગ્સ જાહેર ખર્ચ પરના કરકસરના નિયંત્રણો કરવા માગે છે. બીજી તરફ, વડા પ્રધાન જ્હોન્સને પણ જાવિદના રાજીનામાના પગલે ખર્ચાળ ઘરોના માલિકો પર ‘મેન્શન ટેક્સ’ તેમજ લાખો લોકો પર ઊંચા કાઉન્સિલ ટેક્સ બિલ્સ આવી પડે તેવી ઘરના રાષ્ટ્રીય પુનઃ મૂલ્યાંકનની યોજના અભરાઈએ ચડાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
બોરિસ જ્હોન્સનની નવી કેબિનેટ
ચાન્સેલરઃ રિશિ સુનાક
ફોરેન સેક્રેટરીઃ ડોમિનિક રાબ
હોમ સેક્રેટરીઃ પ્રીતિ પટેલ
ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટરઃ માઈકલ ગોવ
જસ્ટિસ સેક્રેટરીઃ રોબર્ટ બકલેન્ડ
ડિફેન્સ સેક્રેટરીઃ બેન વોલેસ
હેલ્થ સેક્રેટરીઃ મેટ હેનકોક
બિઝનેસ સેક્રેટરીઃ આલોક શર્મા
ટ્રેડ સેક્રેટરીઃ લિઝ ટ્રસ
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરીઃ થેરીસ કોફી
એજ્યુકેશન સેક્રેટરીઃ ગેવિન વિલિયમસન
એન્વિરોન્મેન્ટ સેક્રેટરીઃ જ્યોર્જ યુસ્ટિસ
હાઉસિંગ સેક્રેટરીઃ રોબર્ટ જેનરિક
ટ્રાન્સપોર્ટ સેક્રેટરીઃ ગ્રાન્ટ શેપ્સ
કલ્ચર સેક્રેટરીઃ ઓલિવર ડાઉડન
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીઃ એન-મેરી ટ્રેવલીન
લીડર ઓફ હાઉસ ઓફ ધ લોર્ડ્સઃ બેરોનેસ ઈવાન્સ ઓફ બાઉસ પાર્ક
લીડર ઓફ હાઉસ ઓફ ધ કોમન્સઃ જેકોબ રીસ-મોગ
નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરીઃ બ્રેન્ડોન લૂઈસ
સ્કોટિશ સેક્રેટરીઃ એલિસ્ટર જેક
વેલ્શ સેક્રેટરીઃ સિમોન હાર્ટ
એટર્ની જનરલઃ સુએલા બ્રેવરમાન
ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરીઃ સ્ટીફન બાર્કલે
મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલીઓઃ અમાન્ડા મિલિંગ
પેમાસ્ટર જનરલઃ પેન્ની મોર્ડાઉન્ટ
ચીફ વ્હીપઃ માર્ક સ્પેન્સર


