લંડનઃ પૂર્વ વડાપ્રધાનના પૂર્વ કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્યુટો હેરીએ દાવો કર્યો છે કે જો બોરિસ જોન્સનને રાજીનામુ આપવાની ફરજ ન પડી હોત તો રિશી સુનાક ચાન્સેલર પદે રહી શક્યા ન હોત. હેરીએ જણાવ્યું હતું કે બોરિસ જોન્સન સાથે નીતિવિષયક મામલાઓ પર મતભેદોના કારણે જોન્સન રિશી સુનાકને ચાન્સેલર પદેથી હટાવવાની તૈયારી કરી ચૂક્યા હતા. બંને વચ્ચે નીતિઓ અંગે પાયાના જ મતભેદો હતા.
હેરીએ જણાવ્યું હતું કે, બંને નેતા વચ્ચે તણાવ વધી રહ્યો હતો. બોરિસ જોન્સન પાર્ટીને કંઇક વિશેષ આપવા માગતા હતા. તેઓ કોર્પોરેશન ટેક્સ લાદવાનો પણ વિરોધ કરી રહ્યા હતા. તેઓ કરવેરામાં કાપ મૂકવા ઇચ્છતા નહોતા. જોન્સન બ્રેક્ઝિટના લાભ સામાન્ય દલાલોને લેવા દેવા માગતા નહોતા. બીજીતરફ રિશી સુનાક આ બધાની તરફેણ કરી રહ્યા હતા. જો ગયા જુલાઇ મહિનાનો ઘટનાક્રમ આકાર ન પામ્યો હોત તો કેબિનેટમાં મોટાપાયે ફેરફારો થઇ ગયા હોત અને રિશી સુનાકને અલગ મંત્રાલય સોંપાયું હોત.
જોન્સન રિશી સુનાકને ચાન્સેલર પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યા હતા કે કેમ તેવા સવાલના જવાબમાં હેરીએ જણાવ્યું હતું કે, હા, જોન્સન સુનાકને ચાન્સેલર પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ ચાન્સેલરે જ જોન્સનને પછડાટ આપી હતી અને તેમની તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું હતું.


