લંડનઃ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને તેમના ચાહકોને ફરી એક વખત આંચકો આપ્યો છે અને ખાનગી સમારંભમાં ૩૩ વર્ષીય ફિયાન્સી કેરી સિમોન્ડ્સ સાથે ૨૯ મે, શનિવારે લગ્ન કરી લીધા છે. જોકે, જ્હોન્સન કોવિડ મહામારી સામેનો જંગ ચાલુ રાખી શકે તે માટે હનીમૂન ૨૦૨૨ના ઉનાળા સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. બ્રિટિશ વડા પ્રધાને હોદ્દાની મુદત દરમિયાન જ લગ્ન કર્યા હોય તેવો આ ૨૦૦ વર્ષમાં પ્રથમ કિસ્સો છે. જ્હોન્સનના આ ત્રીજા અને કેરી સિમોન્ડસના પ્રથમ લગ્ન છે. અગાઉના અહેવાલ મુજબ ૫૬ વર્ષીય જ્હોન્સને થોડા દિવસ અગાઉ જ ૩૦ જુલાઈ ૨૦૨૨માં લગ્નની તારીખ યાદ રાખવાનું જણાવતા કાર્ડ્સ મિત્રો અને પરિવારજનોને પાઠવ્યા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર વેસ્ટમિન્સ્ટરસ્થિત રોમન કેથોલિક કેથેડ્રલમાં અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવી હતી. આ લગ્ન ફાધર ડેનિયલ હ્યુમ્ફ્રેસ દ્વારા કરાવાયા હતા અને યુગલના એપ્રિલ ૨૦૨૦માં જન્મેલા પુત્ર વિલ્ફ્રેડ લૌરી નિકોલસ જ્હોન્સનની બાપ્ટિઝમ વિધિ પણ કરાઈ હતી. મિસ કેરી સિમોન્ડ્સે ૨,૮૦૦ પાઉન્ડની કિંમતનો ભાડે લાવેલો ડ્રેસ પહેર્યો હતો જ્યારે બોરિસે ડાર્ક નેવી સૂટ અને બ્લુ ટી પહેર્યા હતા.
આ સમારંભમાં કોને આમંત્રણ અપાયું હતું અને કોણ ઉપસ્થિત રહ્યું હતું તેની કોઇ વિગતો જાહેર કરાઈ નથી. લગ્ન પછી ડાઉનિંગ સ્ટ્રીટના ઉદ્યાનમાં જ્હોન્સન-કેરી ઉભાં હોય તેવી એક તસવીર જ જાહેર કરાઈ હતી.
સમારંભમાં અંગત સગાંની જ હાજરી
અહેવાલો અનુસાર જ્હોન્સને અણવર તરીકે પોતાના ભાઈ અને રેડિયો -૪ સીરિઝ ફ્યુચર પ્રૂફિંગના સહ ઉદ્ઘોષક લીઓની પસંદગી કરી હતી. તેમના અન્ય ભાઈબહેન જો, જુલીઆ અને રાચેલ અને પિતા સ્ટેનલી જ્હોન્સન પણ લગ્નમાં ઉપસ્થિત હતાં. વરરાજા અને નવવધૂની માતાઓ પણ ડાઉનિંગ સ્ટ્રીટ ઉદ્યાનની પાર્ટીમાં સામેલ થઈ હતી. એકત્ર મહેમાનોએ જ્હોન્સન -કેરીના લગ્નની ઉજવણી કરવા સાથે ગીતો પણ ગાયા હતા. શનિવારની મોડી રાત્રિ સુધી પાર્ટી ચાલી હોવાનું સન અખબારે જણાવ્યું હતું.
જોકે, કેરીના પિતા મેથ્યુ સિમોન્ડ્સની ગેરહાજરી તરી આવી હતી. તેમને આમંત્રણ અપાયું હતું કે નહિ તેની કોઈ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનના નિયંત્રણો અનુસાર લગ્ન સમારંભમાં માત્ર ૩૦ વ્યક્તિ હાજર રહી શકે છે. ધ સનમાં પ્રકાશિત અહેવાલો મુજબ, લગ્નના બધા મહેમાનોને છેલ્લી ઘડીએ આમંત્રણ અપાયું હતું. આ લગ્ન અંગેની માહિતી વરિષ્ઠ અધિકારીઓને પણ અપાઈ ન હતી. એક અહેવાલ મુજબ મિત્રો અને પરિવારના સભ્યોને જ લગ્નનું આમંત્રણ જુલાઈ ૨૦૨૦માં જ મોકલવામાં આવ્યું હતુ જેની જાણ ડાઉનિંગ સ્ટ્રીટના સહાયકોને પણ ન હતી. મહેમાનોને ગુપ્તતાના સોગંદ અપાયા હતા.
એમ પણ કહેવાય છે કે જ્હોન્સનના બીજા પત્ની મરિના વ્હીલર QCથી જન્મેલા ચાર પુખ્ત સંતાનો પણ પિતાના પુનર્લગ્નમાં ઉપસ્થિત ન હતા. અતિ ગુપ્ત લગ્ન સમારંભમાં કોઈ કેબિનેટ મિનિસ્ટર્સ તેમજ ટોરી સાંસદોને પણ આમંત્રણ અપાયું ન હોવાનું ધ સન અખબારના અહેવાલમાં જણાવાયું હતું. જ્હોન્સન-કેરીનું હનીમૂન ૨૦૨૨ના ઉનાળા સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. આ વખતે તેઓ મોટા પાયે લગ્ન રિસેપ્શન યોજશે તેમ કહેવાય છે.
૧૯૯ વર્ષ પછી કાર્યકાળમાં પ્રથમ લગ્ન
બ્રિટનમાં કોઇ વડા પ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હોય તેવી ઘટના ૧૯૯ વર્ષ પછી ઘટી છે. વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં લગ્ન કરનારા રોબર્ટ બેન્ક્સ જેકિન્સન પ્રથમ વડા પ્રધાન હતા અને હવે બેરિસ જ્હોનસન બીજા વડા પ્રધાન બન્યા છે. અગાઉ, વર્ષ ૧૮૨૨ની ૨૪ સપ્ટેમ્બરે તત્કાલીન વડા પ્રધાન રોબર્ટ બેન્ક્સ જેકિન્સન, લોર્ડ લિવરપૂલે તેમના કાર્યકાળ દરમિયાન મેરી ચેસ્ટર સાથે બીજાં લગ્ન કર્યા હતા. તેઓ ૧૫ વર્ષ સુધી વડા પ્રધાન હતા.
બોરિસ જ્હોન્સન અને કેરી સિમોન્ડ્સનો સંબંધ
કેરી સિમોન્ડ્સ કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસમાં વર્ષ ૨૦૧૦થી કામ કરે છે. જ્હોન્સનને ૨૦૧૨માં ફરી લંડનના મેયર તરીકે ચૂંટાવા માટેના કેમ્પેઇનમાં તેણે સફળતાપૂર્વક કામગીરી કરી હતી. તેણે ૨૦૧૮માં નોકરી છોડી ત્યારે તે પક્ષની કોમ્યુનિકેશન હેડ હતી. આ પછીથી તે સમુદ્રી સંરક્ષણ સંસ્થા ઓશિયાના સાથે કામ કરી રહી છે. જ્હોન્સન વડા પ્રધાન બન્યા ત્યારથી જ તેમની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સ સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હતા. યુગલે ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં પ્રેમસંબંધના કારણે સગાઈના બંધનમાં જોડાવાની જાહેરાત કરી હતી. એપ્રિલ ૨૦૨૦માં તેમના પુત્ર વિલ્ફ્રેડનો જન્મ થયો હતો.
જ્હોન્સનના અગાઉના લગ્નસંબંધો
અગાઉ બોરિસ જ્હોન્સને ૧૯૮૭માં પત્રકાર અને કલાકાર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા અને તે લગ્ન ૧૯૯૩ સુધી ચાલ્યા હતા. પ્રથમ ડાઈવોર્સના ૧૨ દિવસ પછી તેમણે ભારતીય મૂળની પત્રકાર અને વકીલ મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. મરીના બીબીસીના સંવાદદાતા સર ચાર્લ્સ વ્હીલર અને તેમની ભારતીય પત્ની દીપ સિંહની સૌથી મોટી દીકરી છે. આ યુગલે ૨૫ વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટાં પડી રહ્યા હોવાની ૨૦૧૮માં જાહેરાત કરી હતી અને ૨૦૨૦માં સત્તાવાર છૂટાછેડા લીધા હતા. જ્હોન્સન અને મરીનાના લગ્નજીવનમાં ચાર સંતાન છે અને જ્હોન્સનને અન્ય સંબંધથી એક સંતાન હોવાનું કહેવાય છે.