લંડનઃ રશિયા અને યુક્રેન કટોકટી મધ્યે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એપ્રિલ મહિનાના અંત ભાગમાં ભારતની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ મુલાકાતના એજન્ડામાં લશ્કરી સંબંધો, ઈન્ડો-પાસિફિક અને વેપારની બાબતો મુખ્ય છે. મુલાકાતની સત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી પરંતુ, બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષી સંબંધો અને મુક્ત વ્યાપાર સંધિને ઝડપથી પરિપૂર્ણ કરવા પર પણ ભાર મૂકાશે. આ ઉપરાંત, બંને વડા પ્રધાનો રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટી પર પણ વિચારવિમર્શ કરશે.
બ્રિટિશ વડા પ્રધાને 2021માં કોવિડ -19 કેસીસમાં ભારે ઉછાળાના કારણોસર બે વખત ભારતની મુલાકાત મુલતવી રાખવી પડી હતી. તેઓ ૨૬ જાન્યુઆરીના ગણતંત્ર દિવસે ભારતના મુક્ય અતિથિ હતા પરંતુ, યુકેમાં કોવિડ કેસ વધી જવાથી મુલાકાત મુલતવી રખાઈ હતી. આ જ વર્ષમાં કોવિડના લીધે જ બીજી મુલાકાત યોજાઈ શકી ન હતી. જોકે, મે 2021માં બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી અ તેઓ ડિફેન્સ, ઈનોવેશન, સાયન્સ અને ટેકનોલોજી, વેપાર, શિક્ષણ, હેલ્થ અને ક્લાઈમેટ ચેન્જને આવરી લેતા 2030ના રોડમેપ બાબતે સંમત થયા હતા. નવેમ્બર 2021માં જ્હોન્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટની સાથોસાથ મળ્યા હતા.
દ્વિપક્ષી વેપાર અને મુક્ત વેપાર સંધિ
ભારત અને યુકે વહેલી તકે વેપારસંધિ કરવા આતુર છે અને 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેનો વેપાર બમણો થવાની ધારણા છે. હાલ બંને દેશ વચ્ચેનો વેપાર વાર્ષિક 23 બિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. બંને દેશ મુક્ત વ્યાપાર સંધિ (FTA) નજીક પહોંચી ગયા ચે અને ટુંક સમયમાં વાટાઘાટા પૂર્ણ કરી લેવાશે. બ્રિટિશ વડા પ્રધાનની સંભવિત મુલાકાતને દ્યાનમાં રાખી ભારત સરકારે ડિફેન્સ અને ડિપ્લોમસીની બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે. દરમિયાન, યુકત્રેન કટોકટી મુદ્દે બારત રશિયાની તરફેણ ન કરે તે માટે દબાણ પણ કરવામાં આવશે. હાલમાં જ પોરેન સેક્રેટરી લિજ ટ્રસે પણ ભારતની મુલાકાત વેળાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.


