બોરિસ જ્હોન્સન ચૂંટણીમાં ૬૮ની બહુમતી મેળવે તેવી આગાહી

ટોરી પાર્ટીને ૩૨૮થી ૩૮૫ વચ્ચે બેઠક મળે તેવું પ્રોજેક્શનઃમતદાનના દિવસ સુધી કોઈ પણ ફેરફાર થઈ શકે

Wednesday 04th December 2019 02:26 EST
 
 

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૧૨ ડિસેમ્બરની ચૂંટણીમાં ૬૫૦માંથી ૩૫૯ બેઠક સાથે કોમન્સમાં ૬૮ની સંસદીય બહુમતી મેળવશે તેમ YouGov યુગવના મોડેલની ગણતરી છે. જોકે, મતદાનના દિવસ સુધી કોઈ પણ ફેરફાર થઈ શકે છે. લેબર પાર્ટીની વર્તમાન ૨૬૨ બેઠકોના સ્થાને ૨૧૧, SNPને ૪૩ અને લિબરલ ડેમોક્રેટ્સને ૧૩ બેઠક મળશે જ્યારે, બ્રેક્ઝિટ પાર્ટીનો સફાયો થઈ જશે. જ્હોન્સને ચૂંટણીમાં વિજય મળે તો ચાર વર્ષ સુધી યુકેને હચમચાવનાર બ્રેક્ઝિટ કટોકટીનું ૩૧ જાન્યુઆરી સુધી નિરાકરણ લાવવા વચન આપ્યું છે.

કન્ઝર્વેટિવ પાર્ટીને હાલની ૩૧૭ના બદલે ૩૫૯ બેઠક મળવાની આગાહી છે, જે માર્ગારેટ થેચરના ૧૯૮૭ના વિજય પછી સૌથી સારું પરિણામ હશે. મોડેલ અનુસાર ટોરી પાર્ટી ૪૭ બેઠકમાંથી ૪૪ લેબર પાર્ટી પાસેથી અને બે લિબરલ ડેમોક્રેટ્સ પાસેથી આંચકી લેશે. લેબર પાર્ટીને નવી કોઈ બેઠક મળશે નહિ.

મોડેલમાં ભૂલના માર્જિનને ધ્યાનમાં લેતાં ટોરી પાર્ટીને ૩૨૮થી ૩૮૫ વચ્ચે બેઠક મળે તેવું પ્રોજેક્શન કરાયું છે. જોકે, લગભગ સદીમાં પ્રથમ ક્રિસમસ ઈલેક્શનમાં ૧૨ ડિસેમ્બર પહેલા લોકોને મન બદલવા ઘણાં દિવસો બાકી છે.

YouGov દ્વારા મે ૨૦૧૭માં ૮ જૂનની ચૂંટણીના સાત દિવસ અગાઉ જ તત્કાલીન વડા પ્રધાન થેરેસા મે હારશેની ચોક્કસ આગાહી કરાઈ હતી. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના બેન લાઉડરડેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડગ રિવર્સ દ્વારા વિકસાવાયેલું આ મોડેલ તદ્દન સાચું પડ્યું હતું.

યુગવના રાજકીય અને સામાજિક સંશોધનના ડાયરેક્ટર એન્થની વેલ્સ કહે છે કે, ‘૨૦૧૯ની ચૂંટણી માટે અમારા ‘Multilevel Regression and Post-stratification- MRP’ મોડેલની ગણતરી છે કે ૨૦૧૬માં ઈયુ છોડવા માટે મતદાન કરનારા વિસ્તારોમાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ભારે ઝોક રહેશે. ટોરી પાર્ટીને નોર્થ અને શહેરી વેસ્ટ મિડલેન્ડ્સ તેમજ ઈસ્ટ મિડલેન્ડ્સની બેઠકો પર ફાયદો મળશે.’ યુગવ મોડેલ દ્વારા સાત કરતા વધુ દિવસ ૧૦૦,૦૦૦થી વધુ ઈન્ટરવ્યૂ, ડેમોગ્રાફી, ચોક્કસ મતક્ષેત્રના સંજોગો તેમજ રાષ્ટ્રીય સ્ટેટેસ્ટિક્સ માંથી ડેટા મેળવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter