લંડનઃ પાર્ટીગેટમાં ખરડાયા બાદ સાંસદપદેથી રાજીનામું આપનારા બોરિસ જ્હોન્સન પત્રકારત્વ તરફ વળ્યા છે. ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર જોન્સન દર શનિવારે ડેઇલી મેઇલમાં આર્ટિકલ લખશે. શુક્રવારે બોરિસ જોન્સનની ડેઇલી મેઇલના કોલમિસ્ટ તરીકે જાહેરાત કરી હતી. જોન્સન અન્ય અગ્રણી બ્રિટિશ અખબારો સાથે સંકળાય તેવી પણ સંભાવના છે.
બીજીતરફ આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદના સત્તાવાળાઓ સાથે ડેઇલી મેઇલ માટે કોલમ લખવા અંગે બોરિસ જ્હોન્સને મિનિસ્ટરિયલ કોડનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. પૂર્વ મંત્રીઓની એપોઇન્ટમેન્ટને મંજૂરી આપતી કમિટીએ જણાવ્યું છે કે બોરિસ જ્હોન્સને અમને આ સમાચાર પ્રસિદ્ધ થયા તેના અડધા કલાક પહેલા જ માહિતી આપી હતી.
બોરિસ જ્હોન્સને સોમવારે સાંસદપદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ તેમણે હજુ સુધી આગામી બે વર્ષ માટે તેમની નવી જોબ અંગે એડવાઇઝરી કમિટી ઓન બિઝનેસ એપોઇન્ટમેન્ટ્સ (અકોબા) પાસેથી સલાહ માગી નથી. અકોબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિનિસ્ટરિયલ કોડ કહે છે કે કમિટી સલાહ ન આપે ત્યાં સુધી મિનિસ્ટર્સ કોઇ નવી એપોઇન્ટમેન્ટની જાહેરાત કરી શકે નહીં. જ્હોન્સને અમને ફક્ત 30 મિનિટ પહેલાં એપ્લિકેશન મોકલી આપી હતી જે મિનિસ્ટરિયલ કોડનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અમે જ્હોન્સન પાસે સ્પષ્ટતા માગી છે.
જ્હોન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બોરિસ જ્હોન્સન અકોબા સાથે સંપર્કમાં છે અને સામાન્ય પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા પછી બોરિસ જોન્સને સ્પીકિંગ ટૂર્સ કરીને મિલિયન્સ પાઉન્ડની કમાણી કરી લીધી હતી. જોન્સનનું પત્રકારત્વમાં પુનરાગમન તેમને અખબારોમાં સરકાર અંગેના પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનો મંચ પૂરો પાડશે.

