લંડનઃ વર્તમાન વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને આ સદીના સૌથી કામગરા વડા પ્રધાન તરીકે ગણાવાયા છે. એડન્સ ગેટ વતી હાન્સાર્ડ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે જ્હોન્સને પાર્લામેન્ટમાં પ્રતિ સપ્તાહ સરેરાશ ૧૨.૮ મૌખિક રજૂઆતોનું યોગદાન આપ્યું છે. જેમ્સ કાલાહન અને થેરેસા મે અનુક્રમે પ્રતિ સપ્તાહ સરેરાશ ૧૧.૩ અને ૬ કન્ટ્રિબ્યુશન્સ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં હતાં.
વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમણે પ્રતિ સપ્તાહ સરેરાશ કેટલી મૌખિક રજૂઆતોનું યોગદાન આપ્યું છે તેની ગણતરી હાન્સાર્ડ દ્વારા કરાઈ હતી. આ માટે તેમણે દરેક વડા પ્રધાને તેમના સત્તાકાળમાં પાર્લામેન્ટ સમક્ષ કેટલી મૌખિક રજૂઆતો કરી હતી તેની સંખ્યા શોધી હતી. આ પછી તેઓ કેટલા સપ્તાહ સત્તા પર હતા તેની સરેરાશ કાઢી દરેક સપ્તાહે વડા પ્રધાને કેટલી મૌખિક રજૂઆતો કરી તેનો ભાગાકાર કર્યો હતો. આ પછી ૨૦મી અને ૨૧મી સદીમાં સૌથી કામગરા અને સૌથી ઓછાં કામગરા વડા પ્રધાન તરીકે ક્રમબદ્ધ કર્યા હતા.
રાજકીય પાર્ટીના સરેરાશ યોગદાનની ગણતરી કરવા એડન્સ ગેટ દ્વારા દરેક પાર્ટીના સંયુક્ત સરેરાશ યોગદાનના પરિણામને તેમના સાંસદની સંખ્યા વડે ભાગી દીધા હતા.
સમગ્રતયા લેબર પાર્ટી સૌથી વધુ કામગીરી કરનારી પાર્ટી છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિ સપ્તાહ સરેરાશ ૪ કન્ટ્રિબ્યુશન્સની સરખામણીએ લેબર પાર્ટીના વડા પ્રધાનોનું યોગદાન સરેરાશ ૪.૮ રહ્યું છે. ટોની બ્લેરે પ્રતિ સપ્તાહ સરેરાશ માત્ર ૧ યોગદાન કર્યું હતું જેના પરિણામે ગત દાયકાઓમાં તેઓ સૌથી ઓછાં કામગરા વડા પ્રધાન ગણાયા છે.
હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર એડન્સ ગેટના સીઈઓ ટાઈલર વૂડવાર્ડે જણાવ્યું હતું કે,‘પાર્લામેન્ટરી કન્ટ્રીબ્યુશન્સના સંદર્ભે બોરિસ જ્હોન્સનને સૌથી મહેનતુ વડા પ્રધાન ગણાવાયા તેનાથી મને જરા પણ આશ્ચર્ય થતું નથી. આખરે તેઓ સમગ્ર બ્રેક્ઝિટકાળ અને વિશ્વવ્યાપી આરોગ્ય કટોકટી વેળાએ વડા પ્રધાનપદે રહ્યા છે! ’


