લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ૩૩ વર્ષીય પત્ની કેરી જ્હોન્સને ગુરુવાર, ૯ ડિસેમ્બરે બાળકીને જન્મ આપ્યો છે. હવે માતા કેરી અને નવજાત પુત્રી ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસે પરત ફર્યાં છે. કેરી અને બોરિસનું આ બીજું સંતાન છે જ્યારે ટોરી નેતા બોરિસ જ્હોન્સન કુલ સાત સંતાનના પિતા છે.
કેરી જ્હોન્સને યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મ સમયે બોરિસ જ્હોન્સન હાજર રહ્યા હોવાનું કહેવાય છે. જ્હોન્સન દંપતીએ ગુરુવારે તેમના બીજા સંતાનના જન્મની જાહેરાત કરી હતી. દંપતીના મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે માતા અને પુત્રી સ્વસ્થ છે. તેમણે NHS મેટરનિટી ટીમનો આભાર માન્યો હતો.
પર્યાવરણીય કેમ્પેઈનરે આ વર્ષની શરૂઆતમાં મિસકેરેજ થયાનું જણાવ્યાં પછી જ્હોન્સન દંપતીએ જુલાઈ મહિનાના અંતમાં તેમને બીજું બાળક આવવાનું હોવાનું જાહેર કર્યું હતું. વડા પ્રધાને ઓમિક્રોન સંકટ સામે પ્લાન બી હેઠળ નિયંત્રણો જાહેર કર્યાના સમયગાળામાં જ વિલ્ફ્રેડ જ્હોન્સનની બહેનનો જન્મ થયો હતો. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે જ્હોન્સન આગામી દિવસોમાં પરિવાર સાથે થોડો સમય વીતાવવા માગે છે પરંતુ, લાંબો સમય પેટરનિટી રજાઓ લે તેવી શક્યતા ઓછી છે.


